
અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ખરીદનારાઓના ભીડ જામી રહી છે. આથી તકનો લાભ લઈને કોઈ બનાવ ન બને તે માટે પોકેટમારો, ચોર અને લૂંટારા સામે પોલીસ એલર્ટ બની છે. દરમિયાન શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં આવેલા શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે રિવોલ્વર સાથે બે લૂંટારૂ શખસોએ ઓફિસમાં પ્રવેશી મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. લૂટ કર્યા બાદ આરોપીઓ નાસતા હતા. ત્યારે બુમાબુમ થતા આ સમયે પોતાની ફરજ પુરી કરીને ઘરે જતાં બે પોલીસ કર્મચારીઓની નજર પડતા બન્ને પોલીસ કર્મચારીઓ પળનો વિલંબ કર્યા વિના લૂંટારૂ શખસોની પાછળ દોડ્યા હતા. અને દોઢ કિલો મીટર સુધી પીછો કરીને બન્ને લૂંટારૂ શખસોને દબોચી લીધે હતા.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ શહેરના આનંદનગર રોડ પર આવેલા શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે રિવોલ્વર સાથે 2 લૂંટારુએ લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ લૂંટારા મોબાઇલ અને રોકડ લઈ ગયા હતા. પેટ્રોલ પંપના કર્મચારીઓ અને આસપાસનાં લોકોએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી રહ્યા હતા. આ દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કર્મચારી વીરેન્દ્ર અને રાજેશ ત્યાંથી પસાર થતાં હતાં. જેમને જાણ થતાં તેણે લૂંટ કરનારા શખસોનો પીછો કર્યો હતો. દોઢ કિ.મી. જેટલો પીછો કર્યા બાદ લૂંટારાએ અમૂલ પાર્લર પાસે પહોંચી, ત્યાં એક કપલને ડરાવી એક્ટિવા માંગ્યું હતું. ત્યારે ડી-સ્ટાફના કર્મચારીઓ ત્યાં પહોંચી જતાં બે લૂંટારા પૈકી એકે પોલીસકર્મીને રિવોલ્વર બતાવી હતી. જે દરમિયાન વીરેન્દ્ર નામના પોલીસ કર્મચારીએ હિંમત કરી પોતાની પાસેની લાકડી લૂંટારાના હાથમાં મારી હતી. લાકડી મારતાની સાથે જ લૂંટારાના હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઈ હતી. જે બાદ બંને લૂંટારુઓને પોલીસ કર્મચારીએ ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઝડપાયેલા લૂંટારૂ શખસોના નામ વકીલ સહાની અને સંજય સહાની છે, બન્ને શખસોની પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીઓ પૈકી એક સિંગરવા અને બીજો YMCA ક્લબની પાછળ ગોકુલનગરમાં રહે છે. સંજય ટાઈલ્સ ઘસવાનું કામ કરે છે અને વકીલ મજૂર છે. બંનેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંદૂક સિકંદર સહાની નામના વ્યક્તિ પાસેથી મેળવી હતી. સિકંદર તેમની સાથે જ રહેતો હતો. સિકંદરે લાલચ આપીને મોટું કરવાનું કહીને લૂંટ કરવા બંદૂક આપી હતી.