ભારત સામે વિવાદ વચ્ચે પોતાના જ દેશમાં ફસાઇ માલદીવની સરકાર, અનેક સંગઠનોએ કરી નિંદા
નવી દિલ્હીઃ માલદીવ દ્વારા ભારત અંગે વિવાદાસ્પદ ટીપ્પણીને પગલે માલદીવની ઘણી સંસ્થાઓએ માલદીવ અને ભારત વચ્ચે સકારાત્મક સંબંધો જાળવવા હાકલ કરી છે. તેમણે સસ્પેન્ડ કરાયેલા નાયબ મંત્રીઓની સોશિયલ મીડિયા પોસ્ટ અને ટિપ્પણીઓને બેજવાબદાર ગણાવી હતી. માલદીવ સરકારે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહઝૂમ માજિદને સસ્પેન્ડ કરી દીધા છે.
માલદીવના નેશનલ બોટિંગ એસોસિએશન, માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી, નેશનલ હોટેલ્સ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન, માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ અને માલદીવના ટ્રાવેલ એજન્ટ્સના એસોસિએશનએ તેમના નિવેદનો અને સંદેશાવ્યવહારમાં માલદીવના સસ્પેન્ડ કરાયેલા મંત્રીઓની નિંદા કરી છે. આ મુદ્દે માલદીવ સરકાર પર દબાણ વધી રહ્યું છે. માલદીવના ઘણા નેતાઓએ સમગ્ર ઘટનાને દુ:ખદ ગણાવી છે. કેટલાક નેતાઓએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા સહિત અન્ય કાર્યવાહીની પણ માંગ કરી છે.
માલદીપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ કરેલી વાંધાજનક ટીપ્પણી બાદ બંને દેશ વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. એટલું જ નહીં ભારતમાં સોશિયલ મીડિયામાં બાયકોટ માલદીવ ટેન્ડીંગમાં ચાલી રહ્યું છે, એટલું જ નહીં અનેક સેલિબ્રિટીએ ભારત અને પીએમ મોદી સામે માલદીવના સાંસદોએ કરેલી ટીપ્પણીની નિંદા કરીને દેશની જનતાને માલદીવને બદલે ભારતના સુંદરનો દરિયા કિનારાનો પ્રવાસ કરવા અપીલ કરી રહ્યાં છે. બીજી તરફ હવે ભારતીયોએ માલદીપ જવાનું ટાળી રહ્યાં છે. તેમજ અગાઉથી કરાવેલુ બુકીંગ પણ રદ કરાવી રહ્યાં છે. બીજી તરફ માલદીવ સરકાર દ્વારા ત્રણેય નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.