નવી દિલ્હી: સંસદ ભવનમાં મંગળવારે સવારે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં NDAના નેતાઓ દ્વારા બિહાર ચૂંટણીમાં શાનદાર જીત બદલ વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડા પ્રધાને સાંસદોને સંબોધિત કર્યા અને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. એટલું જ નહીં તેમણે સાંસદોને જનતા સાથે જોડાવા પર ભાર મૂક્યો હતો. સંસદ ભવન પરિસરમાં યોજાયેલી NDA સંસદીય દળની આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં સાંસદોને યુવાનો સાથે જોડાવવા માટે આહવાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બેઠક વિશે માહિતી આપતા જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ તમામ સાંસદોને દેશ અને તેમના રાજ્યના ક્ષેત્ર માટે શું કરવું જોઈએ તેના પર પોતાની વાત રાખી. આ સાથે જ તેમણે સુધારા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે માત્ર આર્થિક જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં સુધારા થવા જોઈએ. વડા પ્રધાને સાંસદોને સ્પષ્ટપણે કહ્યું કે લોકોનું જીવન સરળ બનાવવા માટે કામ કરવું જોઈએ. “રૂલ્સ રેગ્યુલેશન સારું છે, પરંતુ જનતાને પરેશાની ન થવી જોઈએ. કાયદા જનતાના જીવનને સરળ બનાવવા માટે છે.” વડા પ્રધાને પોતાના ચૂંટણી ક્ષેત્ર માટે કામ કરવા પર પણ ભાર મૂક્યો. તેમણે ખેલકૂદના ક્ષેત્રમાં ઝડપથી કામ થાય તે માટે પણ કહ્યું અને યુવાનો સાથે જોડાવા માટે સાંસદોને આગ્રહ કર્યો હતો.
કિરેન રિજિજુએ જણાવ્યું કે બેઠકમાં સૌથી વધુ ભાર દેશના દરેક ક્ષેત્રમાં સુધારાને કેવી રીતે આગળ વધારવા તેના પર આપવામાં આવ્યો હતો. NDA પાર્લામેન્ટરી પાર્ટીની મીટિંગ પર કિરેન રિજિજુએ સંસદના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “આજે લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચા શરૂ થશે. રાજ્યસભામાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વંદે માતરમ્ પર 2 દિવસની ચર્ચાનું નેતૃત્વ કરશે.” વિપક્ષના સભ્યો દ્વારા ‘વંદે માતરમ્’ પરની ચર્ચાને ચૂંટણી સાથે જોડવાના આરોપોને રિજિજુએ ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે, વંદે માતરમ્ના 150 વર્ષ પૂરા થયા છે, આ તારીખ અમે નક્કી કરી નથી. જન્મદિવસ આગળ-પાછળ મનાવવામાં આવતા નથી, તો પછી તેને રાજનીતિ સાથે કેમ જોડવામાં આવે છે?


