ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે
નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની સિરીઝમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બન્યા બાદ તે હવે નંબર વન સ્થાનથી માત્ર આઠ રેટિંગ પોઈન્ટ દૂર છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વન-ડે મેચોમાં બે સદી સહિત કુલ 302 રન બનાવ્યા હતા. સિરીઝની છેલ્લી વન-ડેમાં 65 રનની અણનમ ઇનિંગ્સ રમીને તેમણે ભારતને જીત અપાવી હતી. આ પ્રદર્શનના પરિણામે તે બે સ્થાન ઉપર ચઢીને બીજા ક્રમે પહોંચી ગયા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા 2024 અને 2025 દરમિયાન વન-ડેમાં સતત સારું પ્રદર્શન કરતા રહ્યા છે. તેમણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 146 રન બનાવ્યા અને પોતાનું ટોચનું રેન્કિંગ (નંબર-1) જાળવી રાખ્યું છે. શુભમન ગિલ ભલે વન-ડે સિરીઝમાં ન રમ્યા હોય, પરંતુ તેણે પોતાનું પાંચમુ સ્થાના જાળવી રાખ્યું છે. દક્ષિણ આફ્રિકા સામે કેપ્ટનશીપ સંભાળનાર કે.એલ. રાહુલ બે સ્થાનની છલાંગ લગાવીને 12મા ક્રમે પહોંચી ગયા છે.
વન-ડે બોલિંગ રેન્કિંગમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. સ્પિનર કુલદીપ યાદવ ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. T20I રેન્કિંગમાં અક્ષર પટેલ (13), અર્શદીપ સિંહ (20) અને જસપ્રીત બુમરાહ (25) સ્થાન મેળવીને ફાયદામાં રહ્યા છે. ટેસ્ટ બેટ્સમેનમાં યશસ્વી જયસ્વાલ આઠમા ક્રમે યથાવત છે, જ્યારે શુભમન ગિલ અને રિષભ પંત એક-એક સ્થાન ઉપર ચઢીને અનુક્રમે 11મા અને 13મા ક્રમે પહોંચી ગયા છે. ટેસ્ટ બોલરની યાદીમાં જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને યથાવત છે. તેમના ઉપરાંત મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પણ એક-એક સ્થાન ઉપર આવ્યા છે. સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડિકોક, એડેન માર્કરમ અને તેમ્બા બાવુમાની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એશિઝમાં બે મેચમાં 18 વિકેટ લઈને ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છલાંગ લગાવી છે.


