1. Home
  2. revoinews
  3. સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે
સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

0
Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે.

આ નિયમ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સંસ્થાઓ, સંગઠનો અને બિઝનેસ માટે પણ એટલો જ લાગુ પડે છે અને એટલે જ તેને અપનાવનાર અમુક સંસ્થાઓ તેમના અસ્તિત્વની શતાયુ પાર કરી શકે છે. આવું જ એક પ્રકાશન બિઝનેસ ગૃહ છે – આર.આર. શેઠ એન્ડ કંપની. ગુજરાતી વાચનના રસિયાઓ માટે આ નામ અજાણ્યું નથી.

ગુજરાતી પુસ્તક પ્રકાશન અને વિતરણ કરતી અગ્રણી પ્રકાશન સંસ્થાઓમાં સ્થાન પામનાર આર.આર. શેઠ એન્ડ કંપનીને આજે યાદ કરવાનું ખાસ કારણ છે. આ સંસ્થાએ તેના અસ્તિત્વના 100 વર્ષ પૂરા કર્યા છે અને તેના વર્તમાન સંચાલકો પાસે કંપનીના વિસ્તરણની તમામ ભવિષ્યલક્ષી યોજનાઓ તૈયાર છે. અર્થાત 100 વર્ષ પછી પણ શિથિલતાનો કોઈ અંશ દેખાતો નથી. તેનું કારણ શું? કેવી રીતે આવું બની શકે? ગુજરાતીઓ વાંચતા નથી, ગુજરાતીઓની છાપ “શું શા પૈસા ચાર”ની છે અને છતાં ગુજરાતની પુસ્તક પ્રકાશન કંપનીઓ કેમ અને કેવી રીતે ટકી રહી છે? ગુજરાતી ભાષા મરી રહી છે અને તેનું કોઈ ભવિષ્ય નથી- એવું કહેનારા કેટલે અંશે સાચા છે?

આવા પ્રશ્નો વચ્ચે શતાયુ આર.આર. શેઠના વર્તમાન સંચાલકો ચિંતનભાઈ શેઠ અને રત્નરાજભાઈ શેઠ સાથે તેમની કંપની અને ગુજરાતી પુસ્તકો વિશે વિસ્તારપૂર્વક વાતચીત કરી ત્યારે ઘણી નવી બાબતો ઉજાગર થઈ.

પ્રારંભ અને પ્રગતિ

પુસ્તક પ્રકાશન ક્ષેત્રની દરેક નવી બાબતોનો અમલ કરવામાં અગ્રેસર આ શેઠ બંધુઓ મક્કમપણે માને છે કે ગુજરાતી પુસ્તકોનું ભવિષ્ય ઉજળું જ છે. રિવોઈ સાથેની વિશેષ વાતચીતમાં તેઓ માહિતી આપે છે કે, આજથી સો વર્ષ પહેલાં એટલે કે 1926માં મુંબઈમાં બોરીબંદર સ્ટેશન ઉપર ‘નવજીવન’ અખબારના વેચાણથી શરૂઆત અને ત્યારબાદ ટૂંક સમયમાં પુસ્તક વિક્રેતાની કામગીરી સાથે શરૂ થયેલી યાત્રા ર.વ. દેસાઈનાં પુસ્તકોના પ્રકાશન સાથે એક નવા જ પ્લેટફોર્મ ઉપર ચડી જે આજે ત્રીજી પેઢીએ પણ પૂરપાટ ચાલી રહી છે.

ઈ-બુક અને એઆઈના જમાનામાં પ્રકાશિત પુસ્તકનું વર્તમાન અને ભવિષ્ય શું? એ પ્રશ્નનો જવાબ તેમની પાસે સ્પષ્ટ છે. તેમના મતે પુસ્તક અને ઈ-બુક્સ વચ્ચે કોઈ પ્રતિસ્પર્ધા નથી. આ બાબત વાચકની પસંદગી ઉપર આધાર રાખે છે. એ વિશે ઉદાહરણ આપતા ચિંતનભાઈ કહે છે કે, થોડા સમય પહેલાં જાપાનમાં એક વાચકે અમારો સંપર્ક કરીને એક પુસ્તકની હાર્ડ કૉપી મગાવી હતી. એ વાચક ત્યાં બેઠા બેઠ ઈ-બુક આરામથી વાંચી શકે તેમ હોવા છતાં તેમણે છેક અહીંથી પુસ્તકની નકલ મગાવી. તેની સામે અહીં જ વસતા ઘણા વાચકો ઈ-બુક વાંચવાનું પણ પસંદ કરે છે.

આ પણ વાંચોઃ સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

પ્રશ્ન પુસ્તકની ઉપલબ્ધીનો છે અને એટલે જ અમે અમારાં દરેક પુસ્તકની ઈ-બુક અનિવાર્યપણે બનાવીએ જ છીએ જેથી વાચકોને વિકલ્પ મળી રહે. આ સંદર્ભમાં શેઠ બંધુઓએ એક સૌથી મહત્ત્વની વાત એ કરી કે, તેઓ હવે ટૂંક સમયમાં ઑડિયો બુક પણ શરૂ કરવાના છે. અર્થાત તેમની સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક હાર્ડ કૉપી, ઈ-બુક અને ઑડિયો બુક – એમ ત્રણે ફોર્મેટમાં ઉપલબ્ધ હશે.

બદલાતા સમય સાથે તાલ મિલાવીને પરિવર્તન કરવાનું આ જ તો સૌથી મોટું ઉદાહરણ છે.

“બુક્સ આર સુપરસ્પેશિયાલિટી પ્રોડક્ટ” – એવું ક્વોટેબલ ક્વોટ આપનાર રત્નરાજભાઈ માને છે કે, વાચકોની માંગ પ્રમાણે વાચન સામગ્રીનું વિષય વૈવિધ્ય ઉપલબ્ધ કરાવવું જોઈએ. અને આ જ વિચારધારાની પૃષ્ઠભૂમાં આ પ્રકાશન સંસ્થાએ 2004-2005થી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરનાં અંગ્રેજી પુસ્તકોના રાઈટ્સ મેળવીને તેના અનુવાદ કરાવવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, છેક 2013માં ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ઈ-બુક્સ પ્રકાશિત કરવાની શરૂઆત પણ કરી હતી. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને 30 એપ્રિલ, 2013ના રોજ તેમના જ હસ્તે ઈ-બુક પ્રકાશન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Narendrabhai Modi, the then Chief Minister of Gujarat had launched the e-book publishing facility on April 30, 2013.
Narendrabhai Modi, the then Chief Minister of Gujarat had launched the e-book publishing facility on April 30, 2013.

કદાચ આ જ ફિલોસોફીને આગળ વધારી રહેલી આ સંસ્થા હાલ છેલ્લા થોડાં વર્ષથી રાજ્યના વિવિધ નગરો અને શહેરોમાં પુસ્તક મેળાનું આયોજન કરી રહી છે. પુસ્તકને વાચક સુધી પહોંચાડવાની સાહિત્યિક અને વેપારી નિસબતનું જ પરિણામ છે કે, દર વર્ષે વિવિધ નગરો અને શહેરોમાં પુસ્તક મેળા યોજવામાં આવે છે અને આવા પુસ્તક મેળાનું સૌથી મોટું જમા પાસું એ છે કે, તેમાં માત્ર આર.આર. શેઠ કંપનીનાં જ પુસ્તકો નહીં પરંતુ કોઇપણ વ્યવસાયી પુસ્તક મેળામાં ઉપલબ્ધ હોય એવા મોટાભાગના અન્ય પ્રકાશકોનાં પુસ્તકો પણ ઉપલબ્ધ હોય છે.

એક તરફ મોટાભાગના મધ્યમ વર્ગ, ઉપલા મધ્યમવર્ગ તથા સમૃદ્ધ વર્ગના વાલીઓ તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરે છે અને તેમાં ખોટી રીતે ગૌરવ પણ લે છે ત્યારે સ્વર્ગસ્થ ભગતભાઈ શેઠના આ વારસો તેમનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું ગૌરવ લઈ રહ્યા છે. ભાષા માટે નિસબત ધરાવતા ગુજરાતીઓ માટે પણ આ વાત ગૌરવની છે, પરંતુ તેની સાથે ચિંતનભાઈ અને રત્નરાજભાઈની તેમની પ્રકાશન સંસ્થાને ભવિષ્યમાં એવી ચોથી પેઢીને સોંપવાની દીર્ઘદૃષ્ટિ પણ જોઈ શકાય છે જે પોતે ગુજરાતીના પોતને જાણતી હોય.

આ પણ વાંચોઃ સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code