વેજલપુરમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી દાગીના સેરવી લેનાર ઝડપાયો
અમદાવાદ, 10 જાન્યુઆરી 2026 : શહેરમાં ભોળા નાગરિકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતી ટોળકીઓ ફરી સક્રિય થઈ છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાની ઓળખ આપી હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડી પડાવી લેનાર આરોપીને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સુનિલ નાથ મદારીની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 1 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘટનાની વિગત મુજબ, ગત તારીખ 23મી નવેમ્બર 2025 ના રોજ એક વૃદ્ધ મહિલા વેજલપુર વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઈકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાને અટકાવી ‘ખોડિયાર માતાજીનું મંદિર ક્યાં આવ્યું છે?’ તેમ કહી સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ પોતાની ઓળખ કાળકા માતા અને ખોડિયાર માતાના ભુવા તરીકે આપી હતી.
આ શખ્સોએ મહિલા પાસે વિધિના બહાને એક રૂપિયો માંગ્યો હતો અને બદલામાં મહિલાને 100 રૂપિયા આપી વાતોમાં ભળાવી હિપ્નોટાઈઝ કરી દીધી હતી. માતાજીના નામે અલગ-અલગ વસ્તુઓ માંગી મહિલાને વિશ્વાસમાં લઈ, આરોપીઓએ તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડી માંગી હતી. હિપ્નોટાઈઝ થયેલી મહિલાએ પોતાની બંગડી ઉતારી આપતા જ બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતા ઝોન-7 એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સુનિલ નાથ મદારી નામના શખ્સને રૂ. 1 લાખની સોનાની બંગડી સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત તેના સાગરિતને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.


