1. Home
  2. revoinews
  3. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

0
Social Share

વેરાવળ, 20 જાન્યુઆરી, 2026 – Shri Somnath Sanskrit University 18th convocation શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ આજે 20 જાન્યુઆરીને મંગળવારે યોજાયો હતો. આ સમારંભમાં ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક મળી કુલ ૩૧ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

શું કહ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ?

આધુનિક પેઢીમાં છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો.

રાજ્યપાલે જણાવ્યું કે, આપણે જે ઈતિહાસ ભણીએ છીએ એ બહારના લોકોએ લખેલો છે. આપણા ઋષિમુનિઓએ ભારતના પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિનું જે રીતે વર્ણન કરેલું છે તેને જીવનમાં ઉતારવાની આજે નિતાંત આવશ્યકતા છે.

આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે માતા-પિતા પોતાનાં સંતાનો વિદેશમાં અભ્યાસ કરે તે માટે ગર્વ લે છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો ભારતમાં જ્ઞાનપ્રાપ્ત કરવા માટે આવતા હતાં. જે ભારતની તે સમયની શ્રેષ્ઠતાને દર્શાવે છે.

આ જ કારણ છે કે, તે સમયમાં ભારતને વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. ભારત પુરાતનકાળમાં ૨૨ પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું. મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિમુનીઓએ અનેક પ્રકારના સંશોધન કરીને જે જ્ઞાન અર્જિત કર્યું હતું તેને આજે આધુનિક વિજ્ઞાન સ્પર્શી પણ શક્યું નથી.

શું કહ્યું સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિએ?

સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિએ યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે, સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પાયાના પથ્થર સાબિત થાય એ રીતે વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેરાવળના નગરજનો પણ સંસ્કૃત બોલતા થાય એ દિશામાં ‘સંસ્કૃત સંભાષણ વર્ગો’ના માધ્યમથી નિરંતર પ્રચાર-પ્રસારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં ગુણોત્કર્ષના માધ્યમથી વિદ્યાર્થીઓનો વિકાસ, શાસ્ત્રનું શિક્ષણ અને પ્રશિક્ષણ, રમતગમત સહિતની બહુઆયામી ઈત્તરપ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે.

અક્ષરધામ સ્વામિનારાયણ શોધ સંસ્થાન દિલ્લીના નિયામક મહામહોપાધ્યાય પ્રો.ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે, આ ભૂમિ વૈદિક અને સંસ્કૃતિસભર તેમજ વિદ્યાની ભૂમિ છે. જ્યાં સંસ્કૃત યુનિવર્સિટીના માધ્યમ થકી સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સામવેદ સહિત ઉપનિષદના ઉદાહરણો થકી સ્વામીજીએ શિક્ષણનું મહત્ત્વ વર્ણવ્યું હતું.

યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો પૈકી ૧૮મા પદવીદાન સમારોહમાં ૩૬૩ (બી.એ.) શાસ્ત્રી, ૨૦ (બી.એ.બી.એડ.) શાસ્ત્રી-શિક્ષાશાસ્ત્રી, ૨૪૬ (એમ.એ.) આચાર્ય, ૨૦૮ પી.જી.ડી.સી.એ., ૫૪ (બી.એડ.) શિક્ષાશાસ્ત્રી અને ૧૧ (પીએચ.ડી.) વિદ્યાવારિધિ એમ કુલ ૯૦૨ ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં.

 Shri Somnath Sanskrit University 18th convocation
Shri Somnath Sanskrit University 18th convocation

અન્ય વિશેષ સન્માન

આ સાથે વિશેષમાં ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

તદુપરાંત, છાત્રોત્કર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત શોધાર્થી ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૬ અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી.

આ અવસરે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ડૉ. ખગેન્દ્ર પાત્ર દ્વારા સંપાદિત “ગૌરકૃષ્ણોદયમ્”, પ્રો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી દ્વારા સંપાદિત “ન્યાયદર્શન કે સિદ્ધાન્ત એવં લોકધર્મ”, ડૉ. હરીશ કુમાર દ્વારા સંપાદિત ‘ભારતીય જ્ઞાન પરંપરા મેં વૈદિક યજ્ઞ ચિકિત્સા’ એમ ત્રણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, દિલ્હીની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મુરલી મનોહર પાઠક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશી, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, અગ્રણી સંજયભાઈ પરમાર, કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા તેમજ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સીલના સભ્યો, સંલગ્ન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો-સાધુસંતો સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code