વધતા વજનથી છુટકારો મેળવવા ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ
શિયાળાની ઋતુ આવતાની સાથે જ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમનું વજન વધવા લાગ્યું છે. વાસ્તવમાં, ઠંડીમાં લોકો થોડા આળસુ બની જાય છે અને ખોરાકમાં તળેલું, મસાલેદાર તેમજ ગળી વસ્તુઓનું પ્રમાણ વધી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માંગતા હોવ, તો શિયાળાના એવા ખોરાક વિશે જાણવું જરૂરી છે જે શરીરને અંદરથી ગરમ પણ રાખશે અને વજનને નિયંત્રિત કરવામાં પણ જાદુઈ અસર કરશે.
લીલા પાંદડાવાળા શાકભાજી: શિયાળામાં પાલક, મેથી, તાંદળજો, સરસવ, બથુઆ અને ચણાની ભાજી વિપુલ પ્રમાણમાં મળે છે. આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર અને લો-કેલરી હોય છે. તેમાં તેલ-મસાલાનો ઉપયોગ ઓછો થતો હોવાથી તે વજન ઘટાડવા અને શરીરને ગરમી આપવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નટ્સ અને સીડ્સ (સૂકો મેવો): શરીરને ઉર્જા માટે ગુડ ફેટ્સ અને સ્નાયુઓને શક્તિ આપવા પ્રોટીનની જરૂર હોય છે. બદામ અને અખરોટ જેવા નટ્સની તાસીર ગરમ હોય છે, જે ઠંડી સામે લડવાની શક્તિ આપે છે. આ ઉપરાંત વિવિધ બીજ (Seeds) પણ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી ડાયટમાં લેવા જોઈએ.
તજ: ભારતીય રસોડામાં વપરાતું તજ વજન ઘટાડવા માટે અકસીર મનાય છે. તેની તાસીર ગરમ હોય છે. સવારે ખાલી પેટે તજનું પાણી અથવા તજવાળી ચા પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને ચરબી ઓગળવામાં મદદ મળે છે.
આદુ: આદુ માત્ર સ્વાદ જ નથી વધારતું, પણ ફેટ લોસમાં પણ મદદરૂપ છે. શિયાળામાં થતી શરદી, ઉધરસ અને સ્નાયુઓના દુખાવામાં આદુ રાહત આપે છે. આદુવાળી ચા સ્ટ્રેસ ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે.
હળદરવાળું દૂધ: રાત્રે હળદરવાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં થોડી કાળા મરીની ભૂકી ઉમેરવાથી તે ‘ફેટ કટર’ તરીકે કામ કરે છે. જો વજન વધવાનો ડર હોય તો ફૂલ ફેટ દૂધને બદલે ટોન્ડ મિલ્કનો ઉપયોગ કરી શકાય છે.
ગ્રીન ટી: શિયાળામાં સામાન્ય દૂધવાળી ચાને બદલે ગ્રીન ટીનો વિકલ્પ શ્રેષ્ઠ છે. તે ઈમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે ત્વચામાં પણ ચમક લાવે છે. તે શરીરમાં ગરમાવો આપે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સની ત્રિદિવસીય વૈશ્વિક પરિષદનો પ્રારંભ


