ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે.
‘અમૃત 2.0’ યોજના હેઠળ નવસર્જન પામેલા આ જળાશયમાં 55,000 ચોરસ મીટરની વિશાળ જળરાશિ સંગ્રહિત છે. આ સરોવરની કુલ જળસંગ્રહ ક્ષમતા 182 મિલિયન લિટર છે, જે ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરોવરની ચારે બાજુ વડ, પીપળો અને આંબા સહિતના 30 હજાર જેટલા દેશી વૃક્ષો વાવીને એક ઘટાદાર ‘ગ્રીન બેલ્ટ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ હરિયાળી હવે સમગ્ર વિસ્તાર માટે નવા ‘ઓક્સિજન હબ’ તરીકે ઉભરી રહી છે.
વધુ વાંચો: સાવરકૂંડલામાં રેશનિંગના ઘઉં અને ચોખાનો 1.29 લાખનો જથ્થો પકડાયો
આધુનિક સુવિધાઓ અને જનસુખાકારી સ્થાનિક નાગરિકોના આરોગ્ય અને મનોરંજનને પ્રાધાન્ય આપતા અહીં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે સુવ્યવસ્થિત ટ્રેક.બાળકો અને યુવાનો માટે મનોરંજનના સાધનો.સરોવરની સ્વચ્છતા જાળવવા માટે અદ્યતન શુદ્ધિકરણ પ્લાન્ટ. પક્ષીઓના કલરવ અને શીતળ પવન વચ્ચે પ્રકૃતિનો અનુભવ. ગાંધીનગરમાં પુનઃવિકાસ કરાયેલા કુલ 29 તળાવોમાં કોલવડાનું અમૃત સરોવર અગ્રેસર પ્રોજેક્ટ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. આ આયોજનનો સીધો લાભ કોલવડા અને રાંધેજા વિસ્તારના રહીશોને મળી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ અને શહેરી વિકાસનો આ સમન્વય આજે અન્ય શહેરો માટે પણ એક પ્રેરણાદાયી મોડલ બની ગયો છે.
વધુ વાંચો: સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા


