NSUIને પણ રાષ્ટ્રવાદ સામે વાંધો, સંશોધન પ્રદર્શનમાં તોડફોડ અને ગાળાગાળી કરી
અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – NSUI vandalized research exhibition યુવા કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીમાં AI સમિટ દરમિયાન નગ્ન પ્રદર્શન કર્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વધુ એક ભારત વિરોધી કાંડ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કથિત વિદ્યાર્થી નેતાઓએ રાષ્ટ્રવાદ સાથે સંલગ્ન એક પ્રદર્શનની તોડફોડ કરી છે એટલું જ નહીં પરંતુ ત્યાં ઉપસ્થિત સ્વયંસેવકો સાથે ગાળાગાળી પણ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંયુક્ત ઉપક્રમે, ભારતીય વિચાર મંચના સહયોગથી, એકેડમિક સંશોધન આધારિત પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની પ્રદર્શની તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય સંગોષ્ઠિના અવસરે અટલ કલામ રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે જાહેર કરવામાં આવી હતી.
ભારતીય સભ્યતા-સંસ્કૃતિને લગતા સંશોધન સામે વાંધો
પરંતુ NSUI સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક અને તોફાની તત્વોએ ગઈકાલે 23 ફેબ્રુઆરી 2026ના રોજ યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત આ પ્રદર્શનીના દસ્તાવેજો તથા પેનલોને તોડી-ફોડી નુકસાન પહોંચાડ્યું છે તથા અભદ્ર, અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને જાહેર પ્રદર્શન કર્યું છે.
આ પ્રકારની કાર્યવાહી ભારતીય દંડ સંહિતા તથા લાગુ પડતા કાનૂની પ્રાવધાનો મુજબ જાહેર સંપત્તિને નુકસાન, શાંતિ ભંગ, અસંયમિત પ્રદર્શન તથા વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિમાં અવરોધ સમાન છે, જે સ્પષ્ટ રીતે કાયદેસર ગુનો બને છે. યુનિવર્સિટી પરિસરમાં શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં અવરોધ સર્જવો સંવિધાનિક રીતે માન્ય અભિવ્યક્તિની મર્યાદાને લાંઘે છે અને શૈક્ષણિક સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કરે છે.
આ પણ વાંચોઃ ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું
ભારતીય વિચાર મંચ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે અને તેને ગંભીર કાનૂની દૃષ્ટિએ પણ અતિ નિંદનીય અને અસ્વીકાર્ય ગણે છે. વિચારો સાથે અસહમતિ વ્યક્ત કરવાની સ્વતંત્રતા લોકશાહીનો આધાર છે, પરંતુ તોડફોડ, હિંસા અને ગાળાગાળી ક્યારેય લોકશાહી અભિવ્યક્તિનો ભાગ બની શકતી નથી.
અમે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન તથા સંબંધિત કાયદા અમલકારી એજન્સીઓને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર તત્વો સામે લાગુ પડતા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તથા યુનિવર્સિટી પરિસરમાં ભવિષ્યમાં શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
ભારતીય વિચાર મંચ સંશોધન, બૌદ્ધિક સંવાદ અને ભારતીય દૃષ્ટિ આધારિત વૈચારિક પુનર્જાગરણ માટે પ્રતિબદ્ધ છે. આવા તોફાની પ્રયાસો વિચારોને દબાવી શકશે નહીં અને ન તો સંશોધન પ્રક્રિયાને અવરોધી શકશે.


