NCERT ના પુસ્તક વિવાદમાં શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ
- શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ કાવતરા પાછળ જવાબદારોને ઓળખવા સુનાવણી ચાલી રાખી
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્ર અંગેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે સ્વનિર્ણય લઈને સુનાવણી હાથ ધરી હતી. શિક્ષણ વિભાગે કોર્ટમાં બિનશરતી માફી માંગી હોવા છતાં, સીજેઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી આ કાવતરા પાછળ કોણ છે તેની ખબર નહીં પડે ત્યાં સુધી સુનાવણી ચાલુ રહેશે.
NCERT ના ધોરણ 8 ના નવા પુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ શીર્ષક હેઠળ એક પ્રકરણ સામેલ કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ સીજેઆઈ ભૂષણ રામકૃષ્ણ ગવઈના એક નિવેદનનો સંદર્ભ વગર ઉલ્લેખ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે સુનાવણી દરમિયાન અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. સીજેઆઈએ કહ્યું, “અમને અખબાર દ્વારા આ પ્રકરણની જાણ થઈ અને તે વાંચીને અમને ઘણો આઘાત લાગ્યો છે. લોકશાહીના ત્રણ અંગોમાંથી એક એવા ન્યાયતંત્રની ગરિમાને જાણીજોઈને નુકસાન પહોંચાડવાનો આ પ્રયાસ છે.” કોર્ટે નોંધ્યું કે ન્યાયતંત્ર પ્રત્યે અસન્માન ફેલાવવું એ ગુનાહિત અવમાનનાનો મામલો બની શકે છે. આ માત્ર ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત પગલું લાગે છે.
સીજેઆઈએ ચિંતા વ્યક્ત કરી કે નાની ઉંમરના બાળકો, શિક્ષકો અને વાલીઓ આ વાંચશે ત્યારે ન્યાયતંત્ર પ્રત્યેની તેમની છબી ખરડાઈ જશે. પક્ષપાતી વાતો ભવિષ્યની પેઢીના માનસને દૂષિત કરશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી માફી માંગી હતી અને આ સામગ્રી હટાવવાની ખાતરી આપી હતી. જોકે, સીજેઆઈએ કહ્યું કે, “માત્ર માફી પુરતી નથી. પુસ્તકો બજારમાં પહોંચી ગયા છે.” કોર્ટે આદેશો આપ્યા છે કે, બજાર અને શાળાઓમાં મોકલવામાં આવેલા તમામ પુસ્તકો તાત્કાલિક પરત ખેંચવામાં આવે. ઓનલાઇન પોર્ટલ પરથી પણ આ વાંધાજનક મટીરીયલ તુરંત હટાવી દેવામાં આવે.
સીજેઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ રચનાત્મક ટીકાને રોકવા માંગતી નથી, કારણ કે તે સંસ્થાના સુધારા માટે જરૂરી છે. પરંતુ, તથ્યોને તોડીમરોડીને રજૂ કરવા અને સંસ્થાની ગરિમા ઘટાડવી એ સાંખી લેવામાં આવશે નહીં. કોર્ટે હવે તપાસ શરૂ કરી છે કે NCERT ના કયા અધિકારીઓએ આ વિવાદાસ્પદ સામગ્રીને મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃ બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર


