પરંપરાગત ગીતો અને પ્રેમકથા વગર પણ ધુરંધર-2 સુપરહિટ! બદલાતા સિનેમાની નવી દિશા
આજના સમયમાં આપણે ઘણીવાર એવો અનુભવ કરીએ છીએ કે ફિલ્મો દિવસે દિવસે લાંબી બનતી જાય છે. થિયેટરમાં ફિલ્મ જોવા જવું હવે માત્ર બે-ત્રણ કલાકનું મનોરંજન નથી રહ્યું, પરંતુ આખી એક સાંજનો અનુભવ બની ગયું છે. પુષ્પા એક અને પુષ્પા બે ત્યારબાદ ધુરંધર પાર્ટ વન અને પાર્ટ ટુ એનું ઉદાહરણ છે. એક વખત હું મારા મિત્ર સાથે મજાકમાં વાત કરી રહ્યો હતો કે હવે ફિલ્મો એટલી લાંબી બની ગઈ છે કે એકવાર થિયેટરમાં જઈએ એટલે બહાર આવવાની તક જ મળતી નથી! આ વાત ભલે મજાકમાં કહી હોય, પરંતુ તેના પાછળ એક રસપ્રદ સવાલ છુપાયેલો હતો કે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ કેટલી લાંબી હોઈ શકે?
આ સવાલનો જવાબ શોધતાં એક અદ્ભુત દુનિયા સામે આવી, જ્યાં ફિલ્મો કલાકોમાં નહીં, પરંતુ દિવસો અને અઠવાડિયામાં પૂર્ણ થાય છે. સામાન્ય રીતે આપણે 2 થી 3 કલાકની ફિલ્મને લાંબી માનીએ છીએ, પરંતુ વિશ્વમાં કેટલીક એવી ફિલ્મો બની છે કે જેને પૂરી જોવા માટે અઠવાડિયા લાગી જાય. ઉદાહરણ તરીકે Logistics નામની ફિલ્મનો સમયગાળો 857 કલાક છે, એટલે કે લગભગ 35 દિવસથી પણ વધુ! આ ફિલ્મમાં કોઈ અભિનેતા કે પરંપરાગત વાર્તા નથી, પરંતુ એક પેડોમીટર ચીનમાં કેવી રીતે બને છે અને સ્વીડન સુધી પહોંચે છે તેની આખી પ્રક્રિયા વાસ્તવિક સમયમાં દર્શાવવામાં આવી છે. આ વિચાર જ પોતે એટલો અનોખો છે કે આપણે વિચારવામાં પડી જઈએ કે આ પણ એક ફિલ્મ હોઈ શકે!
ફિલ્મ એટલે શું?
તે જ રીતે Modern Times Forever 240 કલાક (10 દિવસ) સુધી ચાલે છે અને સમયના પ્રવાહમાં એક ઇમારત કેવી રીતે ધીમે ધીમે વિખેરાઈ જાય છે તે દર્શાવે છે. The Cure for Insomnia 87 કલાકની છે, જેમાં એક વ્યક્તિ લાંબી કવિતા વાંચે છે. અને Empire, જેને Andy Warholએ બનાવેલી, 8 કલાક સુધી માત્ર એક જ દૃશ્ય , એક ઈમારત જ બતાવે છે. આ ફિલ્મો મનોરંજન માટે નહીં, પરંતુ વિચાર અને કલા માટે બનાવવામાં આવી છે. તે આપણને પૂછે છે કે “ફિલ્મ એટલે શું?”
આ ફિલ્મો પણ લાંબી હતી
પરંતુ જ્યારે આપણે ભારતીય સિનેમાની વાત કરીએ, ત્યારે અહીં પણ લાંબી ફિલ્મોની પરંપરા જોવા મળે છે. તમસ લગભગ 4 કલાક 58 મિનિટની છે, જ્યારે LOC કારગીલ (4:15 કલાક), મેરા નામ જોકર (4:08 કલાક), સંગમ (3:58 કલાક) અને લગાન (3:53 કલાક) જેવી ફિલ્મો લાંબી હોવા છતાં લોકપ્રિય રહી છે. ત્યારબાદ ધુરંધર : The Revenge (3:49 કલાક) પણ આ યાદીમાં આવે છે, પરંતુ તેની વિશેષતા કંઈક અલગ જ છે. જૂના સમયમાં તો કેટલીક ફિલ્મોમાં બે ઇન્ટરવલ પણ રાખવામાં આવતા! The Ten Commandments, Ben-Hur, મુગલ એ આઝમ, Gone with the Wind અને Cleopatra જેવી ફિલ્મોમાં દર્શકોને બે વખત વિરામ આપવામાં આવતો. આ બધી ફિલ્મો થિયેટરોમાં જોવાનો મને મોકો મળેલો છે. એમાંય જો ફિલ્મ 70 એમએમ અને સ્ટીરિયો ફોનિક સાઉન્ડમાં હોય તો તો એની મજા કંઈક અલગ જ હતી.
તો ધુરંધર કેમ અલગ?
હવે આપણે મુખ્ય વાત તરફ આવીએ કે કેવી રીતે Dhurandhar2 The Revenge જેવી ફિલ્મ, જેમાં ન ગીતો છે, ન લવ સ્ટોરી છે, છતાં સુપરહિટ બની શકે? આ ફિલ્મનું સૌથી મોટું બળ તેની કથાવસ્તુ છે. અહીં કોઈ પરંપરાગત “મસાલા” તત્વો નથી, પરંતુ એક તીવ્ર અને ગાઢ રિવેન્જ ડ્રામા છે. ફિલ્મ શરૂઆતથી જ દર્શકને એક એવા સંઘર્ષમાં લઈ જાય છે, જ્યાં દરેક ઘટનાની પાછળ કોઈ અર્થ હોય છે. અહીં કોઈ દૃશ્ય ફક્ત સમય પૂરું કરવા માટે નથી પણ દરેક ક્ષણનું મહત્ત્વ છે.
ફિલ્મમાં “Revenge” માત્ર એક પ્લોટ નથી, પરંતુ એક ભાવનાત્મક યાત્રા છે. મુખ્ય પાત્ર જે ગુસ્સો, દુઃખ, નિરાશા અને અંતે પ્રતિશોધ અનુભવે છે તે બધું ખૂબ જ વાસ્તવિક રીતે દર્શાવવામાં આવ્યું છે. આ કારણે દર્શક માત્ર કથા જ નહીં, પરંતુ પાત્રની અંદર ચાલતી લાગણીઓ સાથે પણ જોડાઈ જાય છે.
ચાર કલાકની ફિલ્મ હોવા છતાં…
ધુરંધરનું બીજું મહત્ત્વનું તત્વ છે તેની ગતિ. લગભગ ચાર કલાકની ફિલ્મ હોવા છતાં તે ક્યાંય ધીમી લાગતી નથી. કારણ કે તેમાં કોઈ અનાવશ્યક ગીતો કે સબપ્લોટ્સ નથી. દરેક દૃશ્ય સીધું જ મુખ્ય કથાની સાથે જોડાયેલું છે. આ “tight screenplay” ફિલ્મને સતત જીવંત રાખે છે. ફિલ્મમાં પાત્રોની રચના ખૂબ જ મજબૂત છે. હીરો માત્ર સારો માણસ નથી, પરંતુ એક જટિલ અને માનસિક રીતે સંઘર્ષ કરતો વ્યક્તિ છે. વિલન પણ સામાન્ય નથી . તે બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને ભયજનક છે. જ્યારે આવા બે પાત્રો આમને-સામને આવે છે, ત્યારે ફિલ્મમાં ટેન્સ અનેકગણું વધી જાય છે. ફિલ્મનો ડાર્ક ટોન પણ તેની સફળતાનું એક મુખ્ય કારણ છે. અહીં કોઈ ચમકધમક નથી, પરંતુ વાસ્તવિકતા છે. આજના દર્શકોને આવી “ગ્રાઉન્ડેડ” ફિલ્મો વધુ ગમે છે, કારણ કે તે જીવનની નજીક લાગે છે. ફિલ્મમાં પ્રકાશ, સંગીત અને કેમેરા એંગલ્સ પણ આ ડાર્ક માહોલને વધુ ગાઢ બનાવે છે.
ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ જ અસરકારક છે. ગીતો ન હોવા છતાં, બેકગ્રાઉન્ડ સ્કોર દર્શકના મનમાં તણાવ અને ઉત્સુકતા જાળવી રાખે છે. ઘણીવાર શાંતિ પણ એટલી જ અસરકારક હોય છે અને આ ફિલ્મ એ વાતને સાબિત કરે છે. આ ઉપરાંત, ફિલ્મમાં સામાજિક અને માનસિક પાસાઓને પણ સ્પર્શવામાં આવ્યા છે. રિવેન્જ પાછળનાં કારણો, માનવીય મનની ગૂંચવણ અને ન્યાયની વ્યાખ્યા જેવા વિષયો ફિલ્મને વધુ ઊંડાણ આપે છે. આથી ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ દર્શકને વિચારવા માટે મજબૂર કરે છે.
હાલના સમયમાં દર્શકોની પસંદગીમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. હવે તેઓ માત્ર હસવા-રડવા માટે ફિલ્મ નથી જોતા, પરંતુ તેઓને કંઈક નવું, કંઈક અલગ અને કંઈક ગહન જોઈએ છે. ધુરંધર : The Revenge એ જ જરૂરિયાતને પૂરી કરે છે. એક રસપ્રદ વાત એ પણ છે કે આ ફિલ્મ “Different is Attractive” ના સિદ્ધાંત પર ચાલે છે. જ્યારે દર્શકોને ખબર પડે કે આ ફિલ્મમાં ગીતો નથી, લવ સ્ટોરી નથી ત્યારે તેમની જિજ્ઞાસા વધે છે. તેઓ જાણવા માંગે છે કે આવી ફિલ્મ કેવી હશે. અને આ જ જિજ્ઞાસા તેમને થિયેટર સુધી લઈ જાય છે.
ભારતીય સિનેમાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે
સાચી વાત એ છે કે, ભારતીય સિનેમાનો ટ્રેન્ડ હવે સ્પષ્ટ રીતે બદલાઈ રહ્યો છે. પરંપરાગત સિનેમા, જેમાં ગીતો અને ભાવનાત્મક તત્વો હતા, તે હજુ પણ મહત્વપૂર્ણ છે. પરંતુ આધુનિક સિનેમા વધુ કન્ટેન્ટ-કેન્દ્રિત બની રહ્યો છે. હવે ફિલ્મની સફળતા તેની અંદરના વિચારો અને રજૂઆત પર આધાર રાખે છે. એક ટ્રેન્ડ જે હજી ચાલી રહ્યો છે એ હજી કોઈના ધ્યાનમાં આવ્યો નથી તે છે ફિલ્મનું ઇદના દિવસોમાં રિલીઝ થવું. આ દિવસો દરમિયાન ચૈત્રી નવરાત્રી પણ ચાલુ છે. સામાન્ય રીતે લોકો બહાર નીકળતા નથી. ફિલ્મ જોવા કોણ ગયું? તેમ છતાં આ પ્રકારની ફિલ્મ સુપરહિટ જવી એ લોકોની માનસિકતામાં ફેરફાર આવ્યાના એંધાણ છે તે બતાવે છે. ભૂતકાળમાં દેશમાં બનેલી ઘટનાઓની સત્ય હકીકત જોઈને પ્રેક્ષકો ચોંકી ગયા? ભારતનું “સરકારી અન્ડરવર્લ્ડ” કઈ રીતે કામ કરે છે તેની જાણ સૌ પ્રથમ વખત થઈ?
અંતમાં એવું કહી શકાય કે ધુરંધર : The Revenge જેવી ફિલ્મો સિનેમાના નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે. હવે સફળતા માટે ગીતો કે લવ સ્ટોરી જરૂરી નથી. જો ફિલ્મમાં મજબૂત વિચાર, તીવ્ર લાગણી અને સતત રસ હોય, તો દર્શક લાંબી ફિલ્મ પણ આનંદથી જોઈ શકે છેસિનેમાની દીશા બદલાઈ રહી છે અને આ ચેન્જ તેની સૌથી મોટી શક્તિ છે. કારણ કે અંતે, સિનેમા માત્ર જોવા માટે નથી… તે અનુભવવા માટે છે.



