ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું
- મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે
પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુસર ભારત સરકારશ્રી દ્વારા “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના તમામ જિલ્લાઓમાં અમલ હેઠળ છે.
આ પણ વાંચોઃ ભાજપના 321 હુતાત્મા કાર્યકરોની યાદી શપથ સમારંભ સ્થળે મૂકવામાં આવી, જુઓ વીડિયો
યોજનાના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ ની આગામી ખરીફ સિઝન માટે મગફળી, સોયાબીન, દિવેલા તથા તલ પાકોના પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૦૮/૦૫/૨૦૨૬થી તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી દસ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવશે.
તેથી રાજ્યના તેલીબિયાં પાકોની ખેતી કરતા તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ મેળવવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


