1. Home
  2. ગુજરાતી
  3. WTO: ભારતે વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા ઉપર ભાર મુક્યો
WTO: ભારતે વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા ઉપર ભાર મુક્યો

WTO: ભારતે વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા ઉપર ભાર મુક્યો

0
Social Share

નવી દિલ્હી, 27 માર્ચ 2026: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની 14મી મંત્રી સ્તરીય પરિષદનો કેમરૂનના યાઉન્ડે ખાતે ગત 26 માર્ચથી ઔપચારિક પ્રારંભ થયો છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પરિષદના પ્રથમ દિવસે જ વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, WTOમાં કોઈપણ સુધારા સભ્યોની સર્વસંમતિ અને વિકાસને કેન્દ્રમાં રાખીને થવા જોઈએ.

ઉદઘાટન સત્ર બાદ યોજાયેલી ઉચ્ચ સ્તરીય વાર્તાલાપમાં સંબોધન કરતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, WTOના પાયાના સિદ્ધાંતો જેવા કે બિન-ભેદભાવ અને સમાનતા જાળવી રાખવા અત્યંત જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સંસ્થાની સુધારણા પ્રક્રિયા ‘સભ્ય-સંચાલિત’ હોવી જોઈએ, જેથી વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોના હિતોનું રક્ષણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં WTOના ડાયરેક્ટર જનરલ ડૉ. નગોઝી ઓકોન્જો-ઈવેલા સહિત વિવિધ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરિષદના પ્રથમ દિવસે જ મંત્રી પીયૂષ ગોયલે કેમરૂનના માનનીય પ્રધાનમંત્રી ડીયોન ન્ગ્યુટ જોસેફ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ભારત અને કેમરૂન વચ્ચેના વેપારી અને રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ગહન ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, તેમણે નેધરલેન્ડ, ફ્રાન્સ અને ઈથોપિયાના વાણિજ્ય મંત્રીઓ સાથે પણ બેઠકો યોજી દ્વિપક્ષીય વેપાર વધારવા પર ભાર મૂક્યો હતો.

બીજી તરફ, ભારત તરફથી વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ પરિષદની સાઈડલાઈન પર અમેરિકા, યુરોપિયન યુનિયન , રશિયા અને ન્યુઝીલેન્ડ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. ખાસ કરીને ચિલી અને પેરુ સાથે ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો તેમજ EU અને ન્યુઝીલેન્ડ સાથે પૂર્ણ થયેલી વાટાઘાટો બાદ હસ્તાક્ષર કરવાની દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પરિષદમાં મત્સ્યઉદ્યોગ સબસીડી પરના કરારની અમલવારી અંગે પણ ટૂંકી ઉજવણી કરવામાં આવી હતી. દિવસના અંતે કેમરૂન સરકાર દ્વારા તમામ દેશોના પ્રતિનિધિઓ માટે ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત આ મંચ પરથી વિશ્વ વ્યાપારના ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી અને સ્પષ્ટ વિઝન રજૂ કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code