પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝે ભારતીય બોલરો સામે ઓક્યુ ઝેર, સોશિયલ મીડિયા પર ફેન્સે લીધો આડેહાથ
ઈસ્લામાબાદ, 28 એપ્રિલ 2026: પાકિસ્તાનનો યુવા બેટ્સમેન હસન નવાઝ રમત કરતા પોતાના વિવાદાસ્પદ અને અતાર્કિક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. ભારતીય બોલરો વિશે તેણે આપેલા નિવેદને ક્રિકેટ જગતમાં નવો વિવાદ છેડ્યો છે. 23 વર્ષીય ખેલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારતીય બોલરો પ્રત્યે નફરત વ્યક્ત કરતો જોવા મળે છે. આ નિવેદન બાદ રમતપ્રેમીઓ તેની રમત ભાવના પર સવાલો ઉઠાવી રહ્યા છે.
એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હસન નવાઝને પૂછવામાં આવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા બોલર સામે રન બનાવવા ઈચ્છે છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કોઈ ચોક્કસ ખેલાડીનું નામ આપવાને બદલે સમગ્ર ભારતીય બોલિંગ આક્રમણ પર આકરી ટિપ્પણી કરી હતી. હસન નવાઝે કહ્યું કે, “ભારત સામે રમતી વખતે સ્વાભાવિક રીતે જ વધારાનું મોટિવેશન હોય છે. તમે અનુભવો છો કે તેમના બોલરો પર હુમલો કરવો છે. સાચું કહું તો, મને તેમના તમામ બોલરો પ્રત્યે નફરત છે. ઈન્શાઅલ્લાહ, જો તક મળશે તો ભવિષ્યમાં પણ આવું (રન બનાવવાનું) કરવાની કોશિશ કરીશ.”
વિવાદ વધતા આપી સફાઈ
પોતાના નિવેદનથી વિવાદ સર્જાયા બાદ હસને વાત વાળવાનો પ્રયાસ કરતા કહ્યું કે, “મેચની સ્થિતિ મુજબ બેટિંગ કરવી પડતી હોય છે. જો રન રેટ 10, 12 કે 15 પ્રતિ ઓવરનો જોઈતો હોય, તો બોલર ગમે તે હોય, તમારે રન બનાવવા જ પડે છે. આ સ્તરે તમામ ખેલાડીઓ વર્લ્ડ ક્લાસ હોય છે.” હસન નવાઝે ભલે મેદાનની બહાર મોટી વાતો કરી હોય, પરંતુ મેદાન પર ભારત સામે તેનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. એશિયા કપ 2025માં તેને ભારત સામે રમવાની એકમાત્ર તક મળી હતી, જેમાં તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. નવેમ્બર 2025થી તે પાકિસ્તાની ટીમની બહાર છે અને હાલમાં વાપસી માટે સંઘર્ષ કરી રહ્યો છે.
હાલમાં હસન નવાઝ પાકિસ્તાન સુપર લીગ 2026માં ક્વેટા ગ્લેડીયેટર્સ માટે રમી રહ્યો છે. તેણે 10 ઇનિંગ્સમાં 291 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, તેના વ્યક્તિગત દેખાવ છતાં તેની ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ છે. ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરતા કહી રહ્યા છે કે, “બેટથી રન બનાવતા શીખો, જીભ ચલાવવાથી નહીં.”
આ પણ વાંચોઃ PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ


