શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથની હત્યા કેસમાં બિહાર અને UPથી 3 શાર્પશૂટર ઝડપાયા
કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ આ કેસમાં બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશમાંથી કુલ ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે.
સિટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ શાર્પશૂટરોની ધરપકડ પાછળ એક નાની ભૂલ કારણભૂત બની છે. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ રહેલા આરોપીઓ પૈકી એકે ટોલ પ્લાઝા પર ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે તેમનું લોકેશન ટ્રેસ કર્યું અને બિહાર-ઉત્તરપ્રદેશમાં દરોડા પાડી ત્રણેયને દબોચી લીધા હતા. ગત રાત્રે જ પોલીસ આરોપીઓને લઈને બંગાળ પહોંચી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ફરી એકવાર રાજકીય હિંસાનો દોર શરૂ થયો છે. દરમિયાન 6 મેની રાત્રે અંદાજે 10.30થી 11 કલાકની વચ્ચે નોર્થ 24 પરગણા વિસ્તારમાં ચંદ્રનાથ રથ પોતાના ઘરે જઈ રહ્યાં હતા. એક અજાણી કારે ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરીને આંતરી હતી અને ત્યારબાદ તેમની ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
હાલમાં પોલીસ આ ત્રણેય શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. હત્યા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને આ સોપારી કોણે આપી હતી, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ ટૂંક સમયમાં જ સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરીને આ સમગ્ર ષડયંત્રનો ખુલાસો કરશે. શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની હત્યાને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે. ભાજપે આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી છે, જ્યારે પોલીસ અત્યારે વ્યાવસાયિક પાસાઓ અને શાર્પશૂટરોના નેટવર્કને ખંગાળી રહી છે.


