બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), નિખિલભાઇ ગોરધનભાઈ પરમાર, સનદભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ, ઘનશ્યામસિંહ ભીમસિંહ ઝાલા (દસકોઈ સહ પ્રભારી આપ), દિનેશભાઈ કાળુસિંહ ઝાલા (પૂર્વ તાલુકા સદસ્ય ભાજપ) સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ઉપસ્થિત રહીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા.
ભાજપ સરકારની જનવિરોધી નીતિને લીધે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ વિવિધ આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ.
કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબદ્ધ રહીશું
કોંગ્રેસમાં જોડાયેલા સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.
કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રભારી શ્રી ચેતનભાઇ ખાચર, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રીમતી મંદાકિનીબેન પટેલ, શ્રી કાંતિજી સોલંકી,શ્રી કાળાજી ભેંમાજી ઠાકોર, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


