નવી દિલ્હી, 05 જુલાઈ 2026: છત્તીસગઢના જાણીતા પાંડવાણી ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તિજન બાઈનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને રાયપુરની એમ્સ (AIIMS)માં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
પોતાના પ્રભાવશાળી અવાજ, મંચ પરની પ્રભુત્વપૂર્ણ ઉપસ્થિતિ અને વાર્તાકથનની આગવી શૈલી દ્વારા તીજન બાઈએ ‘પાંડવાણી’ને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નવી ઓળખ અપાવી. મંચ પર મહાભારતની કથાઓને જીવંત કરવાની તેમની અદભૂત ક્ષમતાએ તેમને ભારતીય લોકસંસ્કૃતિના સૌથી પ્રશંસનીય કલાકારોમાંના એક તરીકે સ્થાપિત કર્યા.
ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની માન્યતા રૂપે, તેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે તીજનબાઈએ તેમના શક્તિશાળી અવાજ, પ્રભાવશાળી હાજરી અને પ્રસ્તુતિની અદ્ભુત શૈલી દ્વારા મંચ પર મહાભારતની વાર્તાઓને જીવંત બનાવી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે તીજનબાઈએ તેમની અસાધારણ પ્રતિભા, સમર્પણ અને વર્ષોની કઠોર પ્રેક્ટિસ દ્વારા છત્તીસગઢની સમૃદ્ધ પાંડવાણી પરંપરા – ભારત અને વિદેશમાં – પ્રશંસા મેળવી હતી. તેમણે કહ્યું કે ભારતની સાંસ્કૃતિક વિરાસતના પ્રસારમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તીજન બાઈએ પોતાની અદભૂત પ્રસ્તુતિઓ દ્વારા છત્તીસગઢની આ લોકકલા શૈલીને વૈશ્વિક ઓળખ અપાવી. વડાપ્રધાને જણાવ્યું કે તેમનું અવસાન કલા અને સંસ્કૃતિની દુનિયા માટે એક ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે.
વધુ વાંચો: ભારત આવતીકાલથી કોચીમાં બે દિવસીય ‘બ્રિક્સ વિમેન્સ વર્કિંગ ગ્રુપ’ની બેઠકનું આયોજન કરશે


