વડોદરા, 5 જુલાઈ, 2026 : 6 accused arrested in the ‘Arena-48’ flat firing case. શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં આવેલા એરિના-48 એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા મધરાત બાદ 201 નંબરના ફ્લેટ પર ફાયરિંગ થયુ હતું. જોકે પરિવાર ભર નિંદરમાં હોવાથી કોઈ જાનહાની થઈ નહતા. આ ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઝડપી તપાસ બાદ પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી છ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બે દિવસ પહેલા મોડી રાતે શહેરના ગોત્રી- ભાયલી વિસ્તારમાં આવેલા એરીના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 તરફ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક ગોળી ફ્લેટ નંબર 201ની બાલ્કનીનો કાચ તોડીને ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી હતી. અચાનક ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેક્નિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસે થોડા જ સમયમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે એરીના-48ની નજીક આવેલી અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં આવેલી એક ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ દરમિયાન નશાની હાલતમાં હાજર મિત્રો વચ્ચે મજાક શરૂ થઈ હતી. આરોપીઓએ મેહુલ ગઢવીને તેની લાયસન્સવાળી રિવોલ્વર ખરેખર ચાલે છે કે નહીં તે અંગે ઉશ્કેરતા તેણે નશાની હાલતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ગોળીઓ સામે આવેલી એરીના-48 એપાર્ટમેન્ટ તરફ જઈ વાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે તેમજ ઘટનામાં વપરાયેલી રિવોલ્વર પણ જપ્ત કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર મેહુલ ગઢવીના નામે કાયદેસર લાયસન્સ ધરાવતી હતી. જોકે નશાની હાલતમાં બેદરકારીપૂર્વક હથિયારનો ઉપયોગ કરવાના કારણે તેની સામે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ હાલ તમામ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને દારૂની પાર્ટી, હથિયારના ઉપયોગ તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વડોદરામાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે.


