- લોકશાહી બચાવવા “વન નેશન વન ઇલેક્શન” પ્રસ્તાવનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ : શ્રી અમિત ચાવડા
અમદાવાદ, 20 મે, 2026 – એક દેશ, એક ચૂંટણીની કેન્દ્ર સરકારની દરખાસ્ત સામે ગુજરાત કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. આ અંગે આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે એક વીડિયો સંદેશા દ્વારા પક્ષનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
ગાંધીનગરમાં યોજાયેલી વન નેશન, વન ઇલેક્શન બિલની JPS ની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ ધારાસભ્યોશ્રી સાથે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વન નેશન, વન ઇલેક્શન બિલનો કોંગ્રેસ પાર્ટી સખત વિરોધ કરીએ છીએ. કારણ કે તેની પાછળ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો છુપો એજન્ડા સ્પષ્ટ દેખાય છે.
આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે, જે રાજ્યોની સ્વાયત્તતા અને સત્તા પર તરાપ મારે છે. બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ રાજ્યમાં સરકાર અકાળે પડી જાય, તો ત્યાં મધ્યવર્તી ચૂંટણી ફક્ત બાકી બચેલા સમયગાળા માટે જ થશે. આ જોગવાઈ વર્ષ 1949માં બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા એ સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર હંમેશા પાંચ વર્ષની પૂર્ણ સરકાર માટે જ પોતાનો કિંમતી મત આપે છે, અડધા સમય માટે નહીં.
જમીની હકીકત અલગ
આ ઉપરાંત, ચૂંટણીના ખર્ચ અને સરકારી તંત્રની બચતનો જે તર્ક આપવામાં આવે છે તે પણ જમીની હકીકતથી તદ્દન અલગ છે, કારણ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછો છે. તેની સામે, આખા દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે આટલી મોટી સંખ્યામાં સુરક્ષાબળ બંદોબસ્ત કરવા અને અબજો રૂપિયાના ખર્ચે નવા EVM તથા VVPAT મશીનો ખરીદવા એ વ્યવહારિક અને આર્થિક બંને દ્રષ્ટિએ અયોગ્ય છે. આથી, લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આ પ્રસ્તાવનો સખત વિરોધ કરીએ છીએ.
એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ જશે, જેના કારણે રાજ્યોના અને સ્થાનિક કક્ષાના પાયાના પ્રશ્નો સંપૂર્ણપણે દબાઈ જશે. આ વ્યવસ્થાથી મતદારો ભ્રમિત થશે અને તેઓ કયા મુદ્દાના આધારે કઈ સરકારની નિષ્ફળતાઓનું મૂલ્યાંકન કરવું તે નક્કી નહીં કરી શકે.
બિલમાં આચારસંહિતા (Code of Conduct)ના કારણે વિકાસકાર્યો અટકતા હોવાની જે વાત કરવામાં આવી છે તે અયોગ્ય છે, કારણ કે આચારસંહિતા પૂર્વે મંજૂર થયેલા કામો કે નિર્ણયો ક્યારેય અટકતા નથી. વાસ્તવમાં આ બિલ દેશના સંઘીય માળખા અને બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે, જે રાજ્ય સરકારો અને વિધાનસભાઓના અધિકારોને સીમિત કરીને સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ કરે છે.
આ બિલ પાછળના છૂપા એજન્ડાથી સ્થાનિક પ્રશ્નો અને લોકોના મતાધિકારનું મહત્વ ઘટી જવાની તીવ્ર શક્યતા હોવાથી તેનો કોંગ્રેસ પાર્ટી દ્રારા સખત વિરોધ કરવામાં આવે છે.


