1. Home
  2. Agency
  3. News
  4. બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા લાઈસન્સ રદ, જુઓ વીડિયો
બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા લાઈસન્સ રદ, જુઓ વીડિયો

બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા લાઈસન્સ રદ, જુઓ વીડિયો

0
Social Share

મુંબઈ, 11 ઓગસ્ટ, 2026 – મહારાષ્ટ્રમાં બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા તત્કાળ અસરથી તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ગંભીર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ઉલ્લંઘનને ટાંકીને માલાડમાં બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ડાર્ક સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે.

આ કાર્યવાહી 7 ઓગસ્ટ, 2026ના રોજ રામચંદ્ર લેન, માલાડ વેસ્ટ, મુંબઈ ખાતે સ્થિત બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોર પર ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ બાદ કરવામાં આવી હતી.

FDAના જણાવ્યા અનુસાર નિરીક્ષણ દરમિયાન સ્ટોરમાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ અને મોટા પાયે વંદાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત અન્ય કેટલાંક ઉલ્લંઘનો પણ જોવા મળ્યા હતા. જેમ કે, ખાદ્ય ઉત્પાદનોનો અયોગ્ય સંગ્રહ, ખોરાકની ચીજવસ્તુઓ કાટવાળા રેક્સ પર અને જમીન પર રાખવી; કોલ્ડ સ્ટોરેજ વિસ્તારમાં અપર્યાપ્ત સ્વચ્છતા; અને એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેમજ છેડછાડ કરાયેલા પેક્ડ ખાદ્ય ઉત્પાદનોની હાજરીનો સમાવેશ થાય છે.

FDAએ જણાવ્યું હતું કે આ સ્ટોરમાં માન્ય ધોરણોનું પણ પાલન નહોતું, જે જૂના અથવા પહેલાં એક્સપાયર થતાં ખાદ્ય ઉત્પાદનો પહેલાં વેચાય અથવા ડિસ્પેચ થાય તે સુનિશ્ચિત કરવા માટે વપરાય છે.

તપાસ દરમિયાન અસરકારક જંતુ અને ઉંદર-નિયંત્રણનાં પગલાં અભાવ, કચરાના વ્યવસ્થાપન અને જાળવણીમાં ખામીઓ તથા ખોરાક સંભાળતા કર્મચારીઓ માટે જરૂરી તબીબી તપાસ અને આરોગ્ય રેકોર્ડની ગેરહાજરી પણ જોવા મળી હતી.

FDA એ જણાવ્યું હતું કે શાકભાજી અને ફળોના સંગ્રહ વિસ્તારમાં મોટા પાયે વંદાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેનાથી ખોરાકમાં ઝેરી તત્વોની ભેળસેળનું ગંભીર જોખમ ઊભું થયું હતું. કોલ્ડ રૂમમાં એક્સપાયર્ડ, ક્ષતિગ્રસ્ત અને છેડછાડ કરાયેલા પેકેજો પણ મળી આવ્યા હતા.

તાત્કાલિક અસરથી લાયસન્સ સસ્પેન્ડ

આ ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને FDAએ માલાડમાં બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાર્ક સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. બ્લિંકિટના આ સ્ટોરને સસ્પેન્શન સમયગાળા દરમિયાન ખાદ્ય ઉત્પાદનો વેચવા અથવા વિતરિત કરવા અથવા ખાદ્ય વ્યવસાય કામગીરી ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

FDAએ ચેતવણી આપી છે કે જો લાયસન્સ સસ્પેન્ડ હોવા છતાં સ્ટોર ચાલુ જણાશે તો સંબંધિત લોકો સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ખાદ્ય સંસ્થાઓમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી મહારાષ્ટ્ર FDAની છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code