1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં નકલી વકીલો મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
દેશમાં નકલી વકીલો મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

દેશમાં નકલી વકીલો મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

0
Social Share

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: દેશભરમાં નકલી અને બોગસ વકીલો સામે મોટા પાયે આક્રમક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, નકલી વકીલો સામે કડક પગલાં લેવાની જવાબદારી કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે આ મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વકીલાત એક અત્યંત સન્માનજનક અને પવિત્ર વ્યવસાય છે. જો આવા વ્યવસાયમાં નકલી કે અયોગ્ય લોકો ઘૂસી જશે, તો ન્યાયિક સંસ્થાઓની ગરિમા અને પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચશે.

અરજીમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન મિશ્રાના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશની બારમાં અંદાજે 30 થી 40 ટકા વકીલો નકલી છે. એટલે કે દેશમાં દર ત્રણમાંથી એક વકીલ બોગસ હોઈ શકે છે, જેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી અનિવાર્ય છે. આ વર્ષે જૂન 2026માં બાર કાઉન્સિલના વકીલો પ્રશાંત કુમાર અને વિપિન નાયરે આ ડેટા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. તેમનું કહેવુ હતું કે, આ ખૂબ જ મોટો મુદ્દો છે અને આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.

  • અદાલતમાં સુનાવણી દરમિયાન શું ચર્ચા થઈ?

રાજા ચૌધરી નામના વકીલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારે જણાવ્યું કે વકીલાતના વ્યવસાયનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે લોકો વાસ્તવમાં સર્ટિફાઈડ વકીલ નથી, તેઓ પણ આ વ્યવસાયની આડમાં ખંડણી કે ગેરકાયદેસર વસૂલી કરી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે આવા તત્વો સામે પહેલ કરીને કાર્યવાહી શરૂ કરાવી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી કે, “હા, 105 વકીલોનો મામલો સામે આવ્યો છે.” અરજદારે દાવો કર્યો કે, એકલા અલાહાબાદ બારમાં જ 1000 થી વધુ નકલી વકીલો સક્રિય હોઈ શકે છે અને આવી જ સ્થિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ‘કફીલ ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર’ ના એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, વકીલાતના વ્યવસાયમાં માફિયાઓ બેઠા છે અને તેમની સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. આ આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં નકલી વકીલો વિરુદ્ધ સઘન અભિયાન છેડવામાં આવ્યું છે. અલાહાબાદમાં બાર કાઉન્સિલની ભલામણ પર 68 વકીલો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, તબક્કાવાર રીતે 100 જેટલી એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી કામગીરીમાં કોઈ અડચણ ન આવે.

  • ભારતમાં વકીલોની વાસ્તવિક સ્થિતિ શું છે?

ઓગસ્ટ 2023માં કાયદા મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા એક સવાલના જવાબ મુજબ, દેશમાં આ સમયે અંદાજે 20 લાખ રજિસ્ટર્ડ વકીલો ઉપલબ્ધ છે. બાર કાઉન્સિલના આંકડા મુજબ દર વર્ષે આશરે 80 હજાર નવા વકીલો આ વ્યવસાયમાં નોંધણી કરાવે છે. નિયમ અનુસાર વકીલાત કરવા માટે કાયદાની ડિગ્રી (LLB) હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ‘ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન’ (AIBE) લેવામાં આવે છે, જેને પાસ કર્યા પછી જ વકીલને કાયમી પ્રેક્ટિસ કરવાનું સર્ટિફિકેટ મળે છે. વકીલોની પ્રેક્ટિસની સાચી હકીકત ચકાસવા માટે BCI દ્વારા ‘સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરીફિકેશન રૂલ્સ-2015’ અમલમાં છે.

આ નિયમ હેઠળ દર 5 વર્ષે વકીલો પાસેથી તેમની પ્રેક્ટિસ અંગેની વિગતો મંગાવવામાં આવે છે. વકીલોએ બાર કાઉન્સિલને એ જણાવવું પડે છે કે તેઓ હાલમાં કઈ જગ્યાએ અને ક્યારથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો કોઈ વકીલ સાચી માહિતી ન આપે, તો બાર કાઉન્સિલ પાસે તેમની સામે શિસ્તભંગની કે સસ્પેન્શનની કડક કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર રહેલો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code