1. Home
  2. ગુજરાતી
  3. ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી હોરમુઝ સ્ટ્રેટ નહીં ખોલવાની ઈરાનની જાહેરાત
ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી હોરમુઝ સ્ટ્રેટ નહીં ખોલવાની ઈરાનની જાહેરાત

ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી હોરમુઝ સ્ટ્રેટ નહીં ખોલવાની ઈરાનની જાહેરાત

0
Social Share

તેહરાન, 11 ઓગસ્ટ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અનેક પ્રયાસો છતાં તેહરાન વોશિંગ્ટન સામે ઝૂકવા તૈયાર નથી. ટ્રમ્પ દ્વારા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોરમુઝ સ્ટ્રેટ’ને ફરીથી ખોલવા માટે ઈરાન પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઈરાને ટ્રમ્પને એક મોટો ઝટકો આપ્યો છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જ્યાં સુધી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો વર્તમાન કાર્યકાળ જાન્યુઆરી 2029માં પૂરો નહીં થાય, ત્યાં સુધી તે હોરમુઝ સ્ટ્રેટ નહીં ખોલે. ઈરાન દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભવિષ્યમાં થનારી કોઈપણ પ્રકારની વાતચીત કે સમજૂતીનો સાફ ઇનકાર કરવામાં આવ્યો છે. ઈરાને જણાવ્યું છે કે, તે કોઈપણ શરતો વગર ઝૂકવા તૈયાર નથી અને 20 જાન્યુઆરી, 2029 સુધી રાહ જોવાની રણનીતિ અપનાવશે.

  • ‘ન સીધું યુદ્ધ, ન તત્કાલ સમજૂતી’ – ઈરાનની નવી રણનીતિ

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગાલીબાફના વરિષ્ઠ સલાહકાર માજિદ શાકેરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેહરાનનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, “ટ્રમ્પ અમારી સાથે કોઈપણ પ્રકારના વ્યાજબી સમજૂતી સુધી પહોંચી શકશે નહીં. અમે 20 જાન્યુઆરી 2029 સુધી રાહ જોઈશું અને તેમનો કાર્યકાળ ખતમ ના થાય ત્યાં સુધી આ સ્થિતિ જાળવી રાખીશું.” તેમણે ઉમેર્યું કે ઈરાનનો માર્ગ ન તો સીધા યુદ્ધનો છે અને ન તો તાત્કાલિક ઘૂંટણ ટેકવીને સમજૂતી કરવાનો, પરંતુ એવી સ્થિતિ જાળવી રાખવાનો છે જેમાં ન તો પૂરતું યુદ્ધ થાય કે ન તો શાંતિ સ્થપાય. આ માહોલમાં અમેરિકા સાથે જાહેરમાં વાતચીતની પુષ્ટિ કરવી તે માત્ર મૂર્ખતા ગણાશે. અત્યારે અમારા માટે શ્રેષ્ઠ રણનીતિ ઇનકાર કરવાની, અનિશ્ચિતતા જાળવી રાખવાની અને વ્યૂહાત્મક ધીરજ રાખવાની છે.

અમેરિકા સાથે વાતચીત શરૂ કરવા માટે ઈરાને પોતાની ત્રણ મુખ્ય શરતો પુનરાવર્તિત કરી છે, જે અનુસાર અંદાજે 300 અબજ ડોલરનું આર્થિક વળતર, અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલી ઈરાની સંપત્તિઓની બિનશરતી પરત કરવી અને પ્રદેશમાંથી અમેરિકી સૈન્ય દળોની સંપૂર્ણ વાપસીનો સમાવેશ થાય છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા આ માંગણીઓ સ્વીકારતું નથી, ત્યાં સુધી હોરમુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો કે કોઈ પણ પ્રકારની ઔપચારિક મંત્રણાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. હાલમાં બંને દેશો વચ્ચે સીધી કોઈ વાતચીત નથી ચાલી રહી, પરંતુ કેટલાક તટસ્થ દેશોના માધ્યમથી માત્ર સંદેશાઓની આપ-લે થઈ રહી છે.

  • વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કેમ મહત્વપૂર્ણ છે હોરમુઝ સ્ટ્રેટ?

ઊર્જા પુરવઠાની કરોડરજ્જુ ગણાતો ‘હોરમુઝ સ્ટ્રેટ’ એ માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ દુનિયાભરમાં વપરાતા કુલ કાચા તેલનો આશરે પાંચમો ભાગ (20%) આ જ સમુદ્ર માર્ગથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ, કુવૈત અને કતાર જેવા મોટા તેલ તથા ગેસ ઉત્પાદક દેશો પોતાના ઓઈલ ટેન્કર્સ આ જ માર્ગે એશિયા, યુરોપ અને અમેરિકા મોકલે છે. ઈરાન દ્વારા આ માર્ગ બંધ રાખવામાં આવતા વૈશ્વિક બજારમાં ઈંધણના પ્રશ્ને મોટું સંકટ ઊભું થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code