ટ્રમ્પે 300 અબજ ડોલરના વળતરની ઈરાનની માંગણી ફગાવી, અમેરિકા પણ બદલામાં વળતર માંગશે
વાશિંગ્ટન, 11 ઓગસ્ટ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં સર્જાયેલો તણાવ ઘટવાનું નામ નથી લેતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનની એ માંગણીને સત્તાવાર રીતે ફગાવી દેવામાં આવી છે, જેમાં તેહરાને પોતાના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ થયેલા નુકસાન માટે ભારેભરખમ વળતરની માંગ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનને આ યુદ્ધ અને સંઘર્ષોમાં થયેલી મોત તથા ઈજાઓ માટે જવાબદાર ઠેરવવું જોઈએ. ઈરાન હાલમાં અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત સૈન્ય અભિયાનથી થયેલા નુકસાન બદલ વોશિંગ્ટન પાસેથી 300 અબજ ડોલરનું વળતર તેમજ 100 અબજ ડોલર સુધીની જપ્ત કરાયેલી સંપત્તિ પરત કરવાની માંગ કરી રહ્યું છે. આ તમામ શરતોને તેહરાને અત્યંત મહત્વપૂર્ણ ‘હોરમુઝ સ્ટ્રેટ’ને ફરીથી ખુલ્લો કરવા સાથે જોડી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુथ સોશિયલ’ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, વળતર માટે ઈરાનની આ માંગણી એક “રસપ્રદ વિચાર” છે અને આગામી સમયમાં થનારી કોઈપણ વાતચીતમાં અમેરિકા પણ તેની સામે જોરદાર જવાબી માંગણીઓ રજૂ કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે, આ જંગ એટલા માટે શરૂ થઈ કારણ કે ઈરાન પોતાના પરમાણુ હથિયારો છોડવા માટે તૈયાર નહોતું, જેના પગલે 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાઈલે સંયુક્ત સૈન્ય અભિયાન છેડ્યું હતું.
-
ટ્રમ્પે અધિકારીઓને આપ્યાં આદેશ
ટ્રમ્પે ઉમેર્યું હતું કે, વળતરના દાવાઓમાં ઈરાન સમર્થિત હુમલાઓમાં માર્યા ગયેલા કે ઘાયલ થયેલા લોકોના પરિવારોને પણ સામેલ કરવા જોઈએ, જેમાં વર્ષ 2000માં ‘યુએસએસ કોલ’ પર થયેલા બોમ્બ વિસ્ફોટ સહિતની અન્ય ઘટનાઓ પણ સામેલ છે. ટ્રમ્પે જણાવ્યું, “હું પણ ઈરાન પાસે એ તમામ લોકો માટે વળતર માંગી રહ્યો છું, જેમની તેમણે હત્યા કરી છે અથવા ગંભીર રીતે ઘાયલ કર્યા છે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના દિવંગત સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, તેહરાન એવા અનેક સંઘર્ષોમાં સામેલ રહ્યું છે જેના કારણે હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યા 2020માં બગદાદ ખાતે ટ્રમ્પના આદેશ પર જ એક ડ્રોન હુમલામાં કરવામાં આવી હતી. ટ્રમ્પે છેલ્લા પાંચ મહિનામાં થયેલી હિંસામાં 52,000 લોકોના મોતનો દાવો કરતા એવા આક્ષેપ પણ કર્યા કે છેલ્લા પાંચ દાયકામાં ઈરાની સરકારે અનેક વિરોધ પ્રદર્શનાર્થીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તેમણે પોતાના પ્રતિનિધિઓને ભવિષ્યની તમામ મંત્રણાઓમાં આ મુદ્દાને મજબૂતાઈથી રજૂ કરવા આદેશ આપ્યો છે.
-
પહેલા વળતર આપો, પછી હોરમુઝ પર વાત થશે: ઈરાન
ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા ખાડીમાં યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર આપવા, તમામ પ્રતિબંધો હટાવવા, સૈન્ય ધમકીઓ બંધ કરવા અને ફ્રીઝ કરાયેલી સંપત્તિ પરત કરવા તૈયાર નહીં થાય, ત્યાં સુધી આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવા પર કોઈ સહમતિ નહીં થઈ શકે. બીજી તરફ, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ આ જળમાર્ગ પર હાલમાં ઈરાનની સ્થિતિ મજબૂત છે અને તેની શિપિંગ અટકાવવાની ક્ષમતાએ ટ્રમ્પ સામેના વિકલ્પો સીમિત કરી દીધા છે. વારંવાર થતા મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ કોમર્શિયલ ટ્રાફિકને પ્રભાવિત કર્યો છે, જેણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે.
ટ્રમ્પ ભલે દાવો કરતા હોય કે હોરમુઝ સ્ટ્રેટ ખુલ્લો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ રસ્તે વ્યાપારી જહાજોની અવર-જવરને વ્યાપક અસર થઈ છે. આ કારણે તેમણે ઈરાનને મોટા પાયે બોમ્બમારાની ધમકી પણ આપી છે. બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી વોશિંગ્ટન દ્વારા તેહરાનની તમામ શરતો સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ સ્ટ્રેટ માત્ર એક દરિયાઈ વ્યાપારી માર્ગ નહીં પરંતુ “યુદ્ધનો અખાડો” જ બની રહેશે.


