સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી હાલત, સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પાણીની અછત
ઈસ્લામાબાદ, 4 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતાં પાકિસ્તાનની ચિંતા અને અકળામણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. વિશ્વના અલગ-અલગ મંચો પર આજીજી કરવા છતાં પાકિસ્તાનને ક્યાંયથી કોઈ મદદ મળી નથી અને ભારત પોતાના કડક વલણ પર અડગ રહ્યું છે. હવે આ આર્થિક અને ભૌગોલિક સંકટથી બચવા માટે પાકિસ્તાની નેતાઓ ભારતને યુદ્ધ અને સૈન્ય કાર્યવાહીની ખુલ્લી ધમકીઓ આપવા લાગ્યા છે. પાકિસ્તાનની અકડામણ દિવસેને દિવસે વધી રહી છે કેમ કે પાકિસ્તાનમાં 90 ટકા જેટલી ખેતી માત્ર સિંધુ જળ ઉપર આધારિત છે. બીજી તરફ પાણીના મુદ્દે પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં સિંઘ પ્રાંતે પંજાબ પ્રાંત પર પોતાના હિસ્સાનું વધુ પાણી રોકી રાખવાનો આક્ષેપ કર્યો છે.
પાકિસ્તાનના હવામાન પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે તાજેતરમાં જ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણી પર દાવો કરનારાઓના હાથ કાપી નાખવામાં આવશે. આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ ધમકી આપી ચૂક્યા છે કે જો દેશની જળ સુરક્ષા જોખમાશે તો પાકિસ્તાન ભારત સામે સૈન્ય કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં. બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો છે કે આ સંધિ હજી પણ પ્રભાવી છે અને ભારત દ્વારા તેને સ્થગિત કરવાના નિર્ણયને કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકારવામાં આવ્યો નથી. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ તો પાકિસ્તાનના પરમાણુ સિદ્ધાંતનો હવાલો આપતા કહ્યું કે, જો પાણી રોકવાનો પ્રયાસ થશે તો તેને દેશના રાષ્ટ્રીય અસ્તિત્વ પર હુમલો ગણી યોગ્ય રાષ્ટ્રીય પ્રતિક્રિયા આપવામાં આવશે.
-
ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને સણસણતો જવાબ
પાકિસ્તાનની ગીધડ ભભકીઓનો ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સણસણતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાને સરહદ પારના આતંકવાદને પોતાનું સમર્થન વિશ્વસનીય અને કાયમી ધોરણે છોડવું જ પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ પી હરીશે પણ પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, 1960 માં સંધિ લાગુ થયા પછી પાકિસ્તાને 3 યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ દ્વારા આ સમજૂતીની ભાવનાનું સતત ઉલ્લંઘન કર્યું છે. ભારતે હંમેશા જવાબદાર દેશ તરીકે વર્તન કર્યું છે, જ્યારે પાકિસ્તાને આતંકવાદ ફેલાવ્યો છે. સરહદ પારના આતંકવાદ પર કડક અને સ્થાયી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત રહેશે.
-
શું છે સિંધુ જળ સંધિ અને ભારતે કેમ લીધો આ નિર્ણય?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ કરાચીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીના વપરાશ અંગે થઈ હતી, જેમાં વિશ્વ બેંકની મધ્યસ્થતા બાદ 9 વર્ષ સુધી લાંબી ચર્ચા ચાલી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાને તેના પર સહી કરી હતી. આ સંધિ દાયકાઓના તણાવ અને અનેક યુદ્ધો છતાં પણ ટકી રહી હતી, પરંતુ 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં” નો સ્પષ્ટ સંદેશ આપીને આ સંધિ સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
- આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ
ભારતનું કહેવું છે કે પાકિસ્તાન દ્વારા આ મામલાને સીધો આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં લઈ જવાનો પ્રસ્તાવ સંધિના આર્ટિકલ IX હેઠળ વિવાદ નિવારણ પદ્ધતિનું ઉલ્લંઘન છે. આ સંધિ અંતર્ગત વિવાદ ઉકેલવા માટે પહેલાથી જ 3 સ્તરીય વ્યવસ્થા સ્થાપિત છે. આવા વિવાદોને સૌથી પહેલા બંને દેશો વચ્ચેના સિંધુ આયોગમાં ચર્ચા માટે મૂકવા પડે છે. ત્યાં ઉકેલ ન આવે તો વિશ્વ બેંક દ્વારા નિયુક્ત તટસ્થ નિષ્ણાતો પાસે મામલો જાય છે અને જો ત્યાં પણ કોઈ ઉકેલ ન મળે, ત્યારે જ આ મામલાને હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણ (ટ્રિબ્યુનલ) માં લઈ જઈ શકાય છે.
-
પાકિસ્તાનમાં ભયાનક જળ સંકટ અને આંતરિક ગૃહયુદ્ધની સ્થિતિ
પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતના અનેક વિસ્તારોમાં પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. સિંધુ નદી પર બનેલો સુક્કુર બેરાજ પાકિસ્તાનની સૌથી મોટી સિંચાઈ યોજના છે, જે લાખો એકર ખેતરોને પાણી પૂરું પાડે છે. હાલના આંકડા અનુસાર પાણીની અછત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે, જેમાં નોર્થ વેસ્ટ કેનાલમાં 64.1 ટકા, રાઇસ કેનાલમાં 38 ટકા અને દાદુ કેનાલમાં 82 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ અછતને કારણે પાકિસ્તાનના આંતરિક પ્રાંતો પણ સામસામે આવી ગયા છે. સિંઘ પ્રાંતે પંજાબ પ્રાંત પર પોતાના હિસ્સાનું વધુ પાણી રોકી રાખવાનો આક્ષેપ કર્યો છે, જેનાથી દેશની અંદર જ રાજકીય તણાવ વધી રહ્યો છે.
- પાકિસ્તાન માટે કેમ જીવાદોરી છે સિંધુ નદી?
સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને 80 ટકા અને ભારતને 20 ટકા પાણી ફાળવવામાં આવ્યું હતું. પાકિસ્તાનની 90 ટકા કૃષિ ભૂમિ, એટલે કે આશરે 4.7 કરોડ એકર જમીનની સિંચાઈ માત્ર સિંધુ નદી પ્રણાલી પર નિર્ભર છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં કૃષિનો હિસ્સો 23 ટકા છે અને 68 ટકા ગ્રામીણ વસ્તી આજીવિકા માટે ખેતી પર નભે છે. આ સંકટને કારણે મંગલા અને તારબેલા હાઇડ્રોપાવર ડેમમાં પાણી ઘટતાં વીજ ઉત્પાદનમાં 30 ટકા થી 50 ટકા સુધીનો મોટો ઘટાડો થવાની આશંકા છે, જે પાકિસ્તાનના ઉદ્યોગો, રોજગાર અને અર્થતંત્રને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે.


