1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાવાગઢ : ચોમાસામાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ
પાવાગઢ : ચોમાસામાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ

પાવાગઢ : ચોમાસામાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ

0
Social Share

વડોદરા, 4 જુલાઈ 2026: ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ અગ્રિમતા આપતા પાવાગઢ વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતા સંભવિત જોખમોને ટાળવા માટે તંત્રએ રાત્રિના સમયે યાત્રિકોની અવરજવર પર આંશિક પ્રતિબંધ લાદી દીધો છે. હવેથી ચોમાસા દરમિયાન રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી રેવાપથ અને મુખ્ય પગપાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર બંધ રહેશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં પાવાગઢ ડુંગર પરથી પથ્થરો ધસી પડવાની બનેલી ઘટનાઓ બાદ એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ ડુંગર પર આવેલા પાટિયા પુલ, ભદ્રકાળી માતા મંદિર સહિતના કુલ 3 સ્થળોને અત્યંત જોખમી જાહેર કર્યા છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે આ સ્થળો પર ભેખડો કે પથ્થરો પડવાનું જોખમ વધી જતું હોવાથી વહીવટી તંત્રએ આગોતરા સુરક્ષા પગલાં રૂપે આ નિર્ણય લીધો છે.

યાત્રિકોની લાંબાગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા હવે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. તપાસ સમિતિએ જે 3 સ્થળોને જોખમી ગણાવ્યા છે, ત્યાં ટૂંક સમયમાં જ જીઓલોજિકલ (ભૂસ્તરશાસ્ત્રીય) અને સિસ્મોલોજીકલ (ભૂકંપવિજ્ઞાન) સર્વે કરવામાં આવશે. આ સર્વેના અહેવાલના આધારે વૈજ્ઞાનિક ઢબે કાયમી સલામતીના મજબૂત પગલાં લેવામાં આવશે. વહીવટી તંત્રએ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા તમામ માઈભક્તો અને યાત્રિકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરી છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code