અમદાવાદ એરક્રાફ્ટ અકસ્માતની તપાસ અંતિમ તબક્કામાં: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી
રાંચી, 20 મે 2026: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ બુધવારે પોતાની પ્રથમ મુલાકાતે રાંચી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા તણાવને પગલે દેશને સતર્ક રહેવાની સલાહ આપી છે. મંત્રીએ જણાવ્યું કે હાલમાં ભારત માટે સ્થિતિ ચિંતાજનક નથી, પરંતુ આપણે કોઈ પણ સંભવિત અસરને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે. તેમણે ઉડ્ડયન મંત્રાલયને આ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની વ્યૂહરચનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે.
વધતા જતા હવાઈ ભાડા અંગે મહત્વની માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રવાસીઓને મોંઘા ભાડાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધાં છે. સરકારે વિમાન ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ એરપોર્ટ પર વિમાનોના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જ પણ ઘટાડવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે પણ એટીએફ પરનો વેટ 25 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. દેશમાં દરરોજ અંદાજે 5 લાખ લોકો હવાઈ મુસાફરી કરે છે અને સરકાર ભાડા પર સતત નજર રાખી રહી છે.
અમદાવાદ વિમાન અકસ્માતની તપાસ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. તેમણે ખાતરી આપી હતી કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શી રીતે થઈ રહી છે. આ અકસ્માતમાં ઘણાય દેશોના મુસાફરો સામેલ હોવાથી આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ છે અને તેનો અંતિમ અહેવાલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જે વૈશ્વિક માપદંડો પર ખરો ઉતરશે.
રાંચી એરપોર્ટ પર મંત્રીએ મુસાફરો માટે ‘ઉડાન યાત્રી કેફે’ જેવી અનેક સુવિધાઓની શરૂઆત કરાવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય પ્રવાસીઓને એરપોર્ટ પર પણ ખૂબ જ એફોર્ડેબલ (કિફાયતી) દરો પર સારું ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. મંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં દેશના તમામ એરપોર્ટ પર આ પ્રકારના ‘ઉડાન યાત્રી કેફે’ ખોલવામાં આવશે. રાંચી પહોંચવા પર મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી તેઓ કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠની પાછળ મોટરસાઇકલ પર બેસીને એરપોર્ટથી રવાના થયા હતા.


