1. Home
  2. ગુજરાતી
  3. બદલાતો ટ્રેન્ડ: ભારતમાં પ્રજનન દર ઘટ્યો, શું સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે યુવાનો નથી બની રહ્યા માતા-પિતા?
બદલાતો ટ્રેન્ડ: ભારતમાં પ્રજનન દર ઘટ્યો, શું સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે યુવાનો નથી બની રહ્યા માતા-પિતા?

બદલાતો ટ્રેન્ડ: ભારતમાં પ્રજનન દર ઘટ્યો, શું સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે યુવાનો નથી બની રહ્યા માતા-પિતા?

0
Social Share

ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસ્તી વધારાની ગતિ હવે ધીમી પડી રહી છે અને જન્મ દરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં અંદાજે 30 વર્ષ પહેલાં મહિલાઓ સરેરાશ 3.4 બાળકોને જન્મ આપતી હતી, જે આંકડો હવે ઘટીને માત્ર 2 પર પહોંચી ગયો છે. સરકારી સર્વે અનુસાર, આ દર સ્ટાન્ડર્ડ રિપ્લેસમેન્ટ લેવલ 2.1 કરતાં પણ નીચે છે, જેનો અર્થ એ થાય કે હવે દેશની વસ્તી સ્થિર રાખવા માટે જેટલી જરૂર છે તેના કરતાં પણ ઓછી ઝડપે બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આ વૈશ્વિક પરિવર્તન માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. દુનિયાના ઘણા દેશોમાં જન્મ દર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો મહિલાઓના સરેરાશ બાળકોની સંખ્યા બે થી ઘટીને એક પર પહોંચી ગઈ છે, જ્યારે અમુક દેશોમાં હવે દંપતીઓ માટે બાળકોની સંખ્યા ‘શૂન્ય’ રાખવાનો ટ્રેન્ડ સૌથી સામાન્ય બની ગયો છે.

સ્માર્ટફોન અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન

લાંબા સમયથી નિષ્ણાતો મોંઘવારી, મોંઘા ઘર, મોડી લગ્ન પ્રથા, કરિયરનું દબાણ અને બદલાતી સામાજિક વિચારસરણીને ઓછા બાળકો માટે જવાબદાર માનતા આવ્યા છે. આ કારણો આજે પણ અકબંધ છે, પરંતુ હવે સંશોધકો એક નવો જ ફેક્ટર શોધી રહ્યા છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના સંશોધકો નાથન હડસન અને હર્નાન મોસ્કોસો-બોએડોએ અમેરિકા અને બ્રિટનમાં 4G મોબાઇલ ઇન્ટરનેટની શરૂઆત થયા બાદના જન્મ દરના આંકડાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. જે વિસ્તારોમાં હાઈ-સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ સૌથી પહેલા પહોંચ્યું, ત્યાં જન્મ દરમાં પણ પહેલા અને વધુ ઝડપથી ઘટાડો નોંધાયો હતો. સ્માર્ટફોને યુવાનોના પરસ્પરના સંબંધોની રીત સંપૂર્ણપણે બદલી નાખી છે. લોકો રૂબરૂ મળવાને બદલે ઓનલાઈન વધુ સમય વિતાવે છે, જેના લીધે વ્યક્તિગત વાતચીત અને સામાજિક મેળઝોલ ખૂબ ઓછો થઈ ગયો છે.

કયા દેશોમાં ડિજિટલ ક્રાંતિની સૌથી વધુ અસર જોવા મળી?

આ ચોંકાવનારો ટ્રેન્ડ માત્ર અમેરિકા કે બ્રિટન પૂરતો સીમિત નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વિશ્વના ઘણા દેશોમાં જન્મ દર બરાબર એ જ સમયે ઝડપથી ઘટવા લાગ્યો હતો જ્યારે સ્માર્ટફોન લોકોની રોજિંદી જિંદગીનો મુખ્ય હિસ્સો બન્યા હતા. જેમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા મોખરે છે. ફિનલેન્ડના વસ્તી વિષયક નિષ્ણાત અન્ના રોટકિર્ચના જણાવ્યા અનુસાર, જરૂરિયાત કરતાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા યુવાનોમાં સંબંધો અને અંગત જીવનને લગતી સમસ્યાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે.

સોશિયલ મીડિયા યુવાનોને સતત અન્ય લોકોની આકર્ષક અને લક્ઝુરિયસ જિંદગી બતાવે છે, જેના કારણે તેમની અંદર આર્થિક દબાણ, અસુરક્ષા અને લઘુતાગ્રંથિ (સરખામણી કરવાની આદત) ઊભી થાય છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પૈસા, કરિયર અને ઘર ખરીદવા જેવી ચિંતાઓને વાસ્તવિકતા કરતાં પણ વધુ મોટી કરીને દર્શાવે છે. પરિણામે, આજના યુવાનો માનસિક અને આર્થિક રીતે પોતાને માતા-પિતા બનવાની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર માની શકતા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code