રેસીપી, 05 જૂન 2026: Sargavani Curry Recipe સરગવોએ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે, જેને આયુર્વેદમાં એક સુપરફૂડ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સરગવાનો ઉપયોગ સંભાર કે શાકમાં કરીએ છીએ, પરંતુ ખાટી-મીઠી છાશ અને ચટાકેદાર લસણના વઘાર સાથે બનતી “સરગવાની કઢી” ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.
સરગવાની કઢી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને તેને ગરમાગરમ ખીચડી અથવા ભાત સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે, અહીં જાણો ટેસ્ટી અને હેલ્ધી સરગવાની કઢીની રેસીપી
સરગવાની કઢી રેસીપી
સામગ્રી
250 ગ્રામ સરગવો
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી લાલ મરચું પાઉડર
5-7 કળી લસણ
1/2 ચમચી આદુ લસણની પેસ્ટ
1 કપ છાશ
1 કપ પાણી
1 ચમચી ધાણા જીરું પાઉડર
2 ચમચી બેસન
1/2 ચમચી હળદર પાઉડર
1/2 ચમચી ખાંડ
1 ચમચી તેલ
2 ચમચી કસૂરી મેથી
1 ચમચી રાય
1/2 ચમચી જીરું
1/2 ચમચી હીંગ
1 સુકા મરચા
5-7 મીઠા લીમડાના પાન
સરગવાની કઢી બનાવવાની રીત
સૌથી પહેલા સરગવાની છાલ ઉતારી તેના મધ્યમ કદના ટુકડા કરી લો, એક વાસણમાં 1 કપ પાણી ગરમ કરો. તેમાં સરગવાના ટુકડા અને થોડું મીઠું ઉમેરીને સરગવો નરમ થાય ત્યાં સુધી બરાબર બાફી લો.
એક મોટા વાસણમાં 1 કપ છાશ લો. તેમાં 2 ચમચી બેસન ઉમેરીને બરાબર ઝેરવી લો, જેથી ગાંઠો ન રહે.
હવે આ મિશ્રણમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ અને 1/2 ચમચી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલો સરગવો પાણી સાથે ઉમેરી દો.
આ મિશ્રણને ધીમા ગેસ પર ઉકળવા માટે મૂકો. કઢી ઘટ્ટ થાય અને બેસન બરાબર ચઢી જાય ત્યાં સુધી તેને 5 થી 7 મિનિટ માટે ઉકાળો.
હવે એક નાની કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય, જીરું, હીંગ, સૂકું લાલ મરચું અને 7 મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર તતડાવો.
હવે તેમાં જીણું સમારેલું કે વાટેલું 5-7કળી લસણ ઉમેરીને આછું ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
ગેસ ધીમો કરી તેમાં 1 ચમચી લાલ મરચું પાઉડર અને 2 ચમચી કસૂરી મેથી હાથથી મસળીને ઉમેરો. વઘાર બળી ન જાય તેનું ધ્યાન રાખવું.
આ ગરમાગરમ વઘારને ઉકળતી કઢીની ઉપર રેડી દો અને તરત જ ઢાંકણ ઢાંકી દો જેથી વઘારની સુગંધ બેસી જાય. 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સરગવાની કઢી તૈયાર છે!


