બેમિસાલ 12 વર્ષ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશિષ્ટ પહેલઃ જાણો
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની મુલાકાત ઉપરાંત ગુજરાત ભાજપ અધ્યક્ષ રાજ્યના અગ્રણીઓની મુલાકાત કરી તેમને ખાસ પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે
ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે નરેન્દ્રભાઈના વતન વડનગરની મુલાકાત લીધી હતી અને ત્યાંના નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. તે ઉપરાંત શ્રી વિશ્વકર્મા રાજ્યના અગ્રણી મહાનુભાવોને મળીને મોદી સરકારના 12 વર્ષના શાસનની મુખ્ય બાબતોને ઉજાગર કરતી પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વડનગરના પ્રવાસ દરમ્યાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, આ જ ગલીઓમાં મોદીજીનું બાળપણ વીત્યું હતું. એક સામાન્ય પરિવારના બાળકમાંથી મા ભારતીની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કરી વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા દરેક માટે પ્રેરણાદાયક છે.
મોદી સરકારના સળંગ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત ભાજપ રાજ્યમાં પક્ષને હજુ વધુ મજબૂત બનાવવા મક્કમ છે અને એ જ સંદર્ભમાં પક્ષના વડા તરીકે જગદીશભાઈ વિશ્વકર્માએ રાજ્યના ટોચના સુપ્રસિદ્ધ અને સમાજ ઉપર નોંધપાત્ર પ્રભાવ ધરાવતા મહાનુભાવોની મુલાકાત લેવાનું અભિયાન પણ ઉપાડ્યું છે. આ ક્રમમાં છેલ્લા બે દિવસમાં તેમણે સાલ હોસ્પિટલના સ્થાપક શ્રી રાજેન્દ્રભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓની ચર્ચા કરી તેઓને ‘વિરાસત પણ, વિકાસ પણ‘ પુસ્તિકા ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
આ જ ક્રમમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વરિષ્ઠ એડવોકેટ શ્રી સુધીરભાઈ નાણાવટી સાથે મુલાકાત કરી ભાજપાના શાસનમાં દેશમાં થયેલા વિવિધ વિકાસકાર્યો અને સિદ્ધિઓ અંગે સંવાદ કરી ‘રાષ્ટ્ર પ્રથમ મૂળ મંત્ર‘ પુસ્તિકા ભેટ સ્વરૂપે આપી હતી.


