1. Home
  2. ગુજરાતી
  3. જુનો સ્માર્ટફોન વેચતા પહેલા 100 વાર વિચારો! કિંમત કરતા પ્રાઇવસીની વધુ કિંમતી
જુનો સ્માર્ટફોન વેચતા પહેલા 100 વાર વિચારો! કિંમત કરતા પ્રાઇવસીની વધુ કિંમતી

જુનો સ્માર્ટફોન વેચતા પહેલા 100 વાર વિચારો! કિંમત કરતા પ્રાઇવસીની વધુ કિંમતી

0
Social Share

નવી દિલ્હી, 22 જૂન 2026: જ્યારે પણ નવો સ્માર્ટફોન ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો જૂનો હેન્ડસેટ વેચીને અથવા એક્સચેન્જ ઓફરનો લાભ લઈને નવો ફોન ખરીદવાનું વિચારતા હોય છે. ભારતમાં સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ ખૂબ મોટું છે અને અનેક કંપનીઓ આકર્ષક ઓફર્સ પણ આપે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. મોટાભાગના ભારતીયો પોતાનો જૂનો સ્માર્ટફોન વેચવા કે એક્સચેન્જ કરવાના બદલે તેને ઘરમાં જ રાખવાનું વધુ પસંદ કરે છે. આ પાછળનું કારણ ફોન પ્રત્યેનો અતિશય લગાવ નથી, પરંતુ ડેટા લીક થવાનો અને પ્રાઇવસી છીનવાઈ જવાનો મોટો ડર છે.

મોબાઈલ રીસેલિંગ પ્લેટફોર્મ ‘કેશિફાય’ દ્વારા કરવામાં આવેલા એક તાજા સર્વેમાં ભારતના સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન માર્કેટની આ વાસ્તવિકતા સામે આવી છે. અંદાજે 8000 લોકો પર કરવામાં આવેલા આ સર્વે અનુસાર, 69 ટકા ભારતીયો માત્ર એટલા માટે પોતાનો જૂનો ફોન નથી વેચતા કારણ કે તેમને તેમની પ્રાઇવસી ભંગ થવાનો ડર સતાવે છે. આંકડા દર્શાવે છે કે 56.6 ટકા લોકોએ ક્યારેક ને ક્યારેક પોતાનો ફોન વેચ્યો કે એક્સચેન્જ કર્યો છે, જે દર્શાવે છે કે જૂના ફોનનું માર્કેટ મુખ્યધારાનો હિસ્સો તો બન્યું છે, પરંતુ હજુ પણ 74 ટકા ગ્રાહકોના મનમાં એ ખૌફ છે કે ફોન વેચાયા પછી તેમના પર્સનલ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે.

  • સ્માર્ટફોનમાં હોય છે વર્ષોનો ડેટા, પ્લેટફોર્મ્સે લેવી પડશે જવાબદારી

ગ્રાહકોની આ બદલાતી માનસિકતા અંગે કેશિફાયના સહ-સ્થાપક નકુલ કુમારે જણાવ્યું હતું કે, સ્માર્ટફોન રીસેલ માર્કેટમાં લોકોની ભાગીદારી અને જાગૃતિ ચોક્કસ વધી રહી છે, પરંતુ ડેટા સુરક્ષાની જવાબદારી હજુ પણ સંપૂર્ણપણે ગ્રાહકો પર જ છોડી દેવામાં આવી છે. આજકાલ સ્માર્ટફોનમાં લોકોના વર્ષોના અંગત, નાણાકીય અને આઈડેન્ટિટી ડેટા સ્ટોર હોય છે. આવા સમયમાં જ્યારે રીસેલ માર્કેટનું કદ વધી રહ્યું છે, ત્યારે ડેટા સુરક્ષાને માત્ર ગ્રાહકની જવાબદારી ગણવી યોગ્ય નથી. ઓર્ગેનાઈઝ્ડ પ્લેટફોર્મ્સ અને આ સેક્ટર સાથે જોડાયેલી સિસ્ટમે ડેટા સિક્યોરિટીને પોતાની પ્રાથમિક અને મૂળભૂત જવાબદારી બનાવવી પડશે.

આ સર્વેનું એક સૌથી આશાસ્પદ પાસું એ છે કે હવે ભારતીય ગ્રાહકો માટે જૂના ફોનની કિંમત કરતાં પ્રાઇવસી વધુ મહત્વની બની ગઈ છે. જ્યારે લોકો પોતાનો સ્માર્ટફોન વેચવા માટે કોઈ પ્લેટફોર્મ પસંદ કરે છે, ત્યારે ૪૫.૩ ટકા લોકો ડેટા પ્રાઇવસી અને સુરક્ષાને સૌથી મહત્વપૂર્ણ પરિબળ માને છે. તેની સરખામણીએ માત્ર ૨૯.૫ ટકા લોકો જ ફોનની કિંમત એટલે કે વધુ પૈસા મળવાને પ્રાથમિકતા આપે છે. આ બદલાવ દર્શાવે છે કે ગ્રાહકો હવે માત્ર વધુ પૈસા મેળવવા પાછળ નથી દોડતા, પરંતુ ફોન સોંપ્યા પછી તેમના પર્સનલ ડેટાની સુરક્ષા અંગે પણ ગંભીરતાથી વિચારી રહ્યા છે.

  • ડેટા ડિલીશન સર્ટિફિકેટ’ ની માંગમાં જંગી ઉછાળો

ડેટા સુરક્ષાની આ ચિંતા વચ્ચે હવે માર્કેટમાં ‘ડેટા ડિલીશન સર્ટિફિકેટ’ની માંગ ખૂબ વધી રહી છે. સર્વે અનુસાર, 68.6 ટકા લોકો એવા રીસેલ પ્લેટફોર્મ પર વધુ ભરોસો કરે છે જે પ્રમાણિત અને સુરક્ષિત રીતે ડેટા ડિલીટ કરવાની સુવિધા આપતા હોય. આ સિવાય ૮૩.૩ ટકા લોકોનું કહેવું છે કે સ્માર્ટફોન વેચતી વખતે ડેટા ડિલીશન સર્ટિફિકેટ મળવું અત્યંત જરૂરી છે. રસપ્રદ વાત એ છે કે ૫૦.৮ ટકા લોકો સુરક્ષિત ડેટા ડિલીશનની ગેરંટી માટે અલગથી વધારાનો ચાર્જ ચૂકવવા પણ તૈયાર છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ડેટા સુરક્ષા એ કોઈ વૈકલ્પિક સુવિધા નથી, પરંતુ રીસેલિંગ પ્લેટફોર્મની ફરજ હોવી જોઈએ.

મોટાભાગના લોકો માને છે કે ફોન વેચતા પહેલા ફેક્ટરી રીસેટ કરી દેવાથી બધો ડેટા સાફ થઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. સર્વેમાં સામેલ 83.3 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ ફોન વેચતા પહેલા ફેક્ટરી રીસેટ કરે છે, પરંતુ તેમાંથી 41.1 ટકા લોકો એ પણ જાણે છે કે માત્ર ફેક્ટરી રીસેટ કરવાથી ડેટા હંમેશા માટે ખતમ થતો નથી. આશ્ચર્યની વાત એ છે કે 31 ટકા લોકોએ એવો દાવો પણ કર્યો છે કે તેઓ ભૂતકાળમાં કોઈ ફોનમાંથી ડિલીટ કરાયેલા ડેટાને ફરીથી રિકવર કરવામાં સફળ રહ્યા છે.

કેશિફાયના સહ-સ્થાપક અને સીઈઓ મનદીપ મનોચાના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો ડેટા ડિલીટ કરવા, ફેક્ટરી રીસેટ કરવા અને સુરક્ષિત રીતે ડેટા કાયમ માટે ભૂંસી નાખવા વચ્ચેનો તફાવત સમજતા નથી. ફેક્ટરી રીસેટ કરવાથી ફોનમાંથી ફાઈલો અને એપ્સ સામાન્ય રીતે દેખાતી બંધ થઈ જાય છે, પરંતુ સ્ટોરેજમાં રહેલો મૂળ ડેટા સંપૂર્ણપણે નષ્ટ થતો નથી. સ્પેશિયલ રિકવરી ટુલ્સની મદદથી તેને ફરીથી મેળવી શકાય છે. તેનાથી વિપરીત, પ્રમાણિત અને સુરક્ષિત ડેટા ડિલીશન પ્રક્રિયા સ્ટોરેજમાં રહેલી માહિતી પર નવી માહિતી ઓવરરાઈટ કરે છે, જેના કારણે જૂનો ડેટા પાછો મેળવવો અશક્ય બની જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code