નવી દિલ્હી: વૈશ્વિક ઉર્જા બજાર અને ખાસ કરીને ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી પ્રથમ રાઉન્ડની ઉચ્ચ સ્તરીય વાટાઘાટો બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રારંભિક સહમતિ સધાઈ છે. આ કરાર અંતર્ગત અમેરિકાએ ઈરાનને તેલના વેચાણ માટે 60 દિવસની મોટી છૂટ આપી છે. આ વૈશ્વિક નિર્ણયની સીધી અને હકારાત્મક અસર ભારતના અર્થતંત્ર પર જોવા મળી શકે છે, કારણ કે ભારત ભૂતકાળમાં ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હતું.
અમેરિકાના ટ્રેઝરી વિભાગે સત્તાવાર રીતે ‘ઈરાન જનરલ લાયસન્સ એક્સ’ જાહેર કર્યું છે. આ લાયસન્સ હેઠળ આગામી 21 ઓગસ્ટ સુધી ઈરાનમાંથી નીકળતા ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને અન્ય પેટ્રોલિયમ પદાર્થોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણને કાનૂની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ જે તમામ આર્થિક લેવડ-દેવડ પ્રતિબંધોના દાયરામાં આવતી હતી, તેને હવે 21 ઓગસ્ટ સુધી વૈધ ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેના થોડા કલાકો પહેલા જ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે નિવેદન આપ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી આ મંત્રણામાં ‘ખૂબ જ પ્રગતિશીલ અને હકારાત્મક સુધારા’ જોવા મળ્યા છે. આ 60 દિવસની મોટી રાહતના બદલામાં ઈરાને પણ વૈશ્વિક સમુદાયને એક મોટું આશ્વાસન આપ્યું છે. ઈરાને વચન આપ્યું છે કે તે આ સમયગાળા દરમિયાન વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પરથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોની અવરજવરને કોઈપણ પ્રકારે પ્રભાવિત કે અવરોધિત નહીં કરે.
ભારત માટે કેમ સંજીવની સમાન છે આ નિર્ણય?
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85 ટકા ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી આયાત કરે છે. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી હતી. વર્ષ 2019માં તત્કાલીન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલાં ભારત, ઈરાનનો સૌથી મોટો તેલ ખરીદદાર દેશ હતો. પ્રતિબંધો બાદ ભારતે તેહરાન પાસેથી તેલની ખરીદી નહિવત કરી દીધી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારત રશિયન ક્રૂડ ઓઈલનો મોટો ખરીદદાર બનીને ઉભર્યું છે, પરંતુ હવે ઈરાનને મળેલી આ 60 દિવસની છૂટથી ભારત માટે સસ્તા તેલનો વધુ એક મજબૂત વિકલ્પ ખુલશે, જે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

