અમદાવાદઃ નવો સુભાષબ્રિજ અંદાજે રૂ. 10 કરોડથી ઓછી કિંમતમાં થશે તૈયાર
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની આજે મહત્વપૂર્ણ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના અતિ-મહત્વના સુભાષ બ્રિજ પ્રોજેક્ટને લઈને વધુ એકવાર ફેરવિચારણા કરવામાં આવી છે. પાલિકા દ્વારા ખર્ચમાં કાપ મૂકીને પ્રજાના નાણાંનો બચાવ કરવા માટે કેટલાક કડક અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, સુભાષ બ્રિજ નિર્માણ મામલે અગાઉ જે રૂ. 5 કરોડ વધુ ચૂકવવાની વાત હતી, તેના પર રોક લગાવી દેવામાં આવી છે.
ખર્ચને નિયંત્રિત કરવા માટે AMC એ વિશેષ આયોજન કર્યું છે. બ્રિજની ડિઝાઇનમાં 7 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી સીધા રૂ. 3.37 કરોડ જેટલી રકમ બચાવી શકાશે. ડિઝાઈન ઉપરાંત પ્રોજેક્ટના અન્ય બિનજરૂરી ખર્ચાઓ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. આ તમામ સુધારાઓ અને કાપને કારણે હવે નવો સુભાષબ્રિજ અંદાજે રૂ. 10 કરોડ જેટલી ઓછી કિંમતમાં તૈયાર થશે, જેનાથી મ્યુનિસિપલ તિજોરી પરનું ભારણ ઘટશે અને પ્રજાના ટેક્સના નાણાંની મોટી બચત થશે.


