નવી દિલ્હી, 25 જુલાઈ 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, પરંતુ હવે તેનો દુરુપયોગ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ હવે મોટા પાયે સાઇબર હુમલાઓને અંજામ આપવા માટે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં તાઇવાનની એક અગ્રણી સાઇબર સુરક્ષા રિસર્ચ ફર્મ ‘ટીમ5’ દ્વારા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચીન સાથે જોડાયેલા હેકિંગ જૂથો ‘ડીપસીક’ સહિતના અન્ય AI ટૂલ્સનો ઉપયોગ કરીને તેમના સાઇબર હુમલાઓની સંખ્યામાં ડબલથી વધુનો વધારો કર્યો છે. હેકર્સ અત્યાધુનિક મિલિશિયસ સોફ્ટવેર (મેલવેર) તૈયાર કરવા અને હેકિંગ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે AI ની મદદ લઈ રહ્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, તાઇવાનની ફર્મ ‘ટીમ5’ નું કહેવું છે કે ચીની હેકર્સમાં ‘ડીપસીક’ ખાસ કરીને ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહ્યું છે. તેની પાછળના મુખ્ય કારણોમાં તેની ઓછી કિંમત, મજબૂત ક્ષમતાઓ અને સાઇબર સુરક્ષાને લગતા પ્રશ્નો કે અનુરોધ પર પશ્ચિમી AI મોડેલોની સરખામણીમાં ઓછા પ્રતિબંધો હોવાનું સામે આવ્યું છે. ‘ટીમ5’ ના મુખ્ય વિશ્લેષક ચાર્લ્સ લીના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોના AI મોડેલ પણ હેકર્સમાં લોકપ્રિય છે, પરંતુ તેમાં સુરક્ષાના નિયમો અને પ્રતિબંધો ખૂબ જ કડક હોય છે. સંશોધન દરમિયાન ચીની સરકાર સાથે જોડાયેલા હેકર્સના ઓપરેશનમાંથી AI ના ઉપયોગથી બનેલી સ્ક્રીપ્ટ્સ અને લોગ્સ પણ મળી આવ્યા છે.
-
વિવિધ તબક્કે AI નો અલગ-અલગ ઉપયોગ
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંશોધકોએ અનેક ચીની હેકિંગ જૂથોની ગતિવિધિઓમાં AI ના અલગ-અલગ ઉપયોગો ઓળખી કાઢ્યા છે. ગ્રિમફેંગશી નામના હેકિંગ જૂથે કથિત રીતે એક્સપ્લોઇટ કોડ તૈયાર કરવા માટે ડીપસીકનો ઉપયોગ કર્યો હતો. ‘હુઆપી’ નામના જૂથે ડીપસીક ગ્રોથની મદદથી તાઇવાનની એક કંપનીની ઇમેઇલ સિસ્ટમને ટાર્ગેટ કરી હતી. ‘ટેલીબોયી’ નામના જૂથે AI ની મદદથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ 1000 જેટલા IP એડ્રેસ શોધી કાઢ્યા હતા અને એક કંપનીના ડોમેનનું સચોટ મેપિંગ તૈયાર કર્યું હતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે હેકર્સ હવે સાઇબર હુમલાના પ્લાનિંગથી લઈને તેના એક્ઝિક્યુશન સુધીના દરેક તબક્કામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
-
ChatGPT અને Claude નો પણ થયો દુરુપયોગ
ચીની હેકર્સ માત્ર સ્વદેશી કે એશિયન ટૂલ્સ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમણે અમેરિકન AI ટેકનોલોજીનો પણ દુરુપયોગ કર્યો છે. સાઇબર સુરક્ષા કંપની ‘સાઇક્રાફ્ટ’ ને પશ્ચિમી થિંક ટેન્ક પર થયેલા હુમલા દરમિયાન ચેટજીપીટી (ChatGPT) ના ઉપયોગના પુરાવા મળ્યા છે. હેકર્સ દ્વારા ચેટબોટની મદદથી એક કર્મચારીના હેક થયેલા કોમ્પ્યુટરમાંથી ચોરાયેલા ડેટાને ડિક્રિપ્ટ કરવા માટેનું સોફ્ટવેર તૈયાર કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ‘ટીમ5’ એ ‘સ્લાઇમ22’ નામના જૂથ દ્વારા તાઇવાનની એક ટેકનોલોજી કંપનીમાં ઘૂસણખોરી કર્યા બાદ એન્થ્રોપિકના ‘ક્લોડ’ કોડનો ઉપયોગ કર્યાનું પણ જણાવ્યું છે. જોકે, આ ઘટના બાદ એન્થ્રોપિક કંપનીએ ચીન નિયંત્રિત કંપનીઓ માટે પોતાની સેવાઓ બ્લોક કરી દીધી હતી. વૈશ્વિક સ્તરે વધી રહેલા આ પ્રકારના સાઇબર જોખમો બતાવે છે કે આગામી સમયમાં ડિજિટલ સુરક્ષા એજન્સીઓ માટે AI સંચાલિત સાઇબર હુમલાઓને રોકવા એક મોટો અને ગંભીર પડકાર બનવા જઈ રહ્યો છે.


