HomeDharma-ધર્મડિસેમ્બરમાં યોજાશે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું ઐતિહાસિક મહાસંમેલન

ડિસેમ્બરમાં યોજાશે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું ઐતિહાસિક મહાસંમેલન

  • મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ ભવ્ય આયોજન થશે

અમદાવાદ, 25 ઓગસ્ટ, 2026 – સમાનં વ્રતં સહ ચિત્તમ્- અર્થાત સમાન સંકલ્પ, સામૂહિક દ્રઢતાના કેન્દ્રીય વિષય સાથે આગામી ડિસેમ્બરમાં વિશ્વ હિન્દુ સમુદાયના સૌથી મોટા મંચ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (WHC) યોજાશે.

આ વિશે આજે અહીં માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, આગામી 18, 19 અને 20 ડિસેમ્બર 2026 દરમિયાન ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ મહાસંમેલનનું આયોજન થયું છે.

પિરામલ ગ્રુપના ચેરમેન શ્રી અજય પિરામલ WHC 2026 ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે અને તેમાં ભારત તથા વિશ્વના ખૂણેખૂણેથી હિન્દુ અગ્રણીઓ, વિચારકો, ઉદ્યોગસાહસિકો, નીતિ-નિર્માતાઓ, શિક્ષણવિદો, પત્રકારો અને સામાજિક કાર્યકરો એકત્રિત થશે. તેમની વચ્ચે ધર્મ, સંસ્કૃતિ અને સમાજના પુનરુત્થાન પર ગહન મંથન કરવામાં આવશે, તેમ સ્વામીજીએ જણાવ્યું હતું.

the-historic-convention-of-the-world-hindu-congress-will-be-held-in-december

વૈવિધ્યસભર કાર્યક્રમો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો

તેમણે માહિતી આપી કે, WHC 2026માં સાત સમાંતર વિષયો પર સંમેલનો યોજાશે: વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ, હિન્દુ એજ્યુકેશન કોન્ફરન્સ, હિન્દુ મીડિયા કોન્ફરન્સ, હિન્દુ પોલિટિકલ કોન્ફરન્સ, હિન્દુ વુમન કોન્ફરન્સ, હિન્દુ યુથ કોન્ફરન્સ અને હિન્દુ ઓર્ગેનાઈઝેશનલ કોન્ફરન્સ. આ તમામ મંચ હિન્દુ સમાજની વિવિધતા, સર્જનાત્મકતા અને સાહસિકતાને નવી ઊર્જા આપશે.

આ અગાઉ WHC 2023નું આયોજન નવેમ્બર 2023માં થાઈલેન્ડના બેંગકોકમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. અત્યાર સુધીના સંમેલનોમાં 60થી વધુ દેશોના 6,500 થી વધુ પ્રતિભાગીઓએ સક્રિયપણે ભાગ લીધો છે.

અગાઉના સંમેલનોમાં પરમ પૂજનીય દલાઈ લામા, માતા અમૃતાનંદમયી, RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, શ્રી અજય પિરામલ અને ઇતિહાસકાર વિક્રમ સંપત જેવી અનેક વિભૂતિઓ ઉપસ્થિત રહી ચૂકી છે.

નેતૃત્વના વિચારો

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના પ્રણેતા સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, “આજે હિન્દુ સમાજ પાછલી એક સદીની સરખામણીમાં વધુ બોલકો, સ્વીકાર્ય અને સન્માનનીય સ્થિતિમાં છે. હવે સમય આવી ગયો છે કે આપણે સંગઠિત થઈને, દ્રઢ સંકલ્પ સાથે હિન્દુ આકાંક્ષાઓને સાકાર કરીએ અને જે પડકારો આપણી એકતાની કસોટી કરે છે તેનો સામનો કરીએ”

WHC 2026ના અધ્યક્ષ શ્રી અજય પિરામલે જણાવ્યું હતું કે, “વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક એવો મંચ છે જે હિન્દુ ચિંતનને વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથે જોડે છે. આ ડિસેમ્બરમાં મુંબઈમાં અમે 60થી વધુ દેશોના 4,500થી વધુ પ્રતિભાગીઓ સાથે એકત્રિત થઈશું, જે આ હિન્દુ ચેતનાની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિનું પ્રમાણ છે”

આયોજન અને ઉદ્દેશ્ય

WHC 2026ના સહ-અધ્યક્ષ તરીકે શ્રી વિષાદ મફતલાલ અને શ્રી મહેશ ભાગચંદકાની નિમણૂક કરવામાં આવી છે. આ સંમેલન નેટવર્કિંગ, વિચારોના વિનિમય અને નક્કર કાર્ય યોજનાનું કેન્દ્ર બનશે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક વૈશ્વિક મંચ છે જે ‘યતો ધર્મસ્તતો જયઃ’ (જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે) ની ભાવનાથી સંચાલિત છે. દર ચાર વર્ષે યોજાતા આ મહાસંમેલનનું પ્રથમ ચરણ 2014માં દિલ્હીથી શરૂ થઈ, 2018માં શિકાગો અને 2023માં બેંગકોક બાદ હવે 2026માં મુંબઈમાં પોતાનો નવો અધ્યાય લખશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular