ઢાકા, 31 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા ‘મક્કા સંયુક્ત રક્ષા કરાર’માં સામેલ થવાથી દેશને કોઈ ખતરો નથી. આ સમજૂતીનો ભાગ બનવાથી અન્ય દેશો અને ભાગીદારો સાથે ઢાકાના સંબંધો મર્યાદિત નહીં થાય. વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે જણાવ્યું કે બાંગ્લાદેશ આ મુદ્દે ચર્ચા કરી રહ્યું છે અને તેના તમામ દ્વિપક્ષીય ભાગીદારો સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશે પોતાની વિદેશ નીતિ અને સુરક્ષા સહયોગને ફ્લેક્સિબલ રાખવા પડશે. કોઈ એક ક્ષેત્રમાં સહયોગનો અર્થ એ નથી કે બાંગ્લાદેશ અન્ય ક્ષેત્રોમાં પોતાની ભૂમિકા ભજવી શકે નહીં. દેશ પોતાની આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ વચ્ચે સંતુલન જાળવી રાખશે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે દેશ આ કરારને સકારાત્મક દ્રષ્ટિએ જુએ છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બાંગ્લાદેશને હજુ સુધી આમાં સામેલ થવા માટે કોઈ ઔપચારિક પ્રસ્તાવ મળ્યો નથી. જો પ્રસ્તાવ મળશે, તો ઢાકા ચોક્કસપણે તેના પર વિચાર કરશે. જો આમંત્રણ મળે તો મક્કાની સુરક્ષામાં સામેલ થવું એ “આપણા મુસ્લિમ પરિવાર”નો આંતરિક મામલો છે, જેમાં અન્યોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગયા 7 ઓગસ્ટે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ ‘મક્કા સંયુક્ત રક્ષા કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા. આનો ઉદ્દેશ્ય કોઈપણ સંભવિત આક્રમણ સામે સામૂહિક પ્રતિકારને મજબૂત કરવાનો છે. આ કરાર હેઠળ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક પર સશસ્ત્ર હુમલો થાય, તો તેને ત્રણેય પરનો હુમલો ગણવામાં આવશે. આ કરાર પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે થયો છે.
ભારતની નજર અને વિશેષજ્ઞોની સલાહ
આ રક્ષા કરારને લઈને ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારત તેની સુરક્ષા પર અસર કરતા તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખે છે. બીજી તરફ, બાંગ્લાદેશના કેટલાક પૂર્વ રાજદ્વારીઓએ લશ્કરી જોડાણોથી અંતર જાળવી રાખવાની સાવચેતીની સલાહ આપી છે, જ્યારે સમર્થકોનું માનવું છે કે તેનાથી વ્યૂહાત્મક લાભ મળી શકે છે.


