Homeગુજરાતીદેશ-વિદેશવન નેશન, વન ટાઇમ: હવે આખા દેશમાં ચાલશે એક જ ઘડિયાળ, નોટિફિકેશન...

વન નેશન, વન ટાઇમ: હવે આખા દેશમાં ચાલશે એક જ ઘડિયાળ, નોટિફિકેશન બહાર પડાયું

નવી દિલ્હી, 31 ઓગસ્ટ 2026: દેશમાં હાલમાં ‘વન નેશન, વન ટાઇમ’ (એક રાષ્ટ્ર, એક સમય) ની ચર્ચા જોરો પર છે. સમયની સિસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એક સચોટ અને સિંગલ ટાઇમ સ્ટાન્ડર્ડને મજબૂત કરવાનો છે, જેથી આખા ભારતમાં માત્ર એક જ સાચો સમય દેખાય અને સ્થળ પ્રમાણે સમયમાં કોઈ જ તફાવત ન રહે. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા 27 ઓગસ્ટે જારી કરાયેલા ‘લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ, 2026’ મુજબ આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થયાના 180 દિવસ બાદ અમલી બનશે. ત્યારબાદ કાનૂની, સરકારી, વ્યવસાયિક અને સત્તાવાર કાર્યો માટે માત્ર અધિકૃત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) જ માન્ય ગણાશે.

હાલમાં ભારતમાં IST નું પાલન થાય છે, પરંતુ મોબાઇલ, રેલવે, બેંક અને સરકારી કચેરીઓના કમ્પ્યુટર્સ અલગ-અલગ સર્વર્સ (જેમ કે ગૂગલ કે અન્ય વિદેશી સર્વર) પર આધારિત હોવાથી સમયમાં સેકેન્ડોનો થોડો તફાવત જોવા મળે છે. સરકાર આ વિસંગતતાને દૂર કરવા માંગે છે. સાયબર અપરાધો કે આતંકી ગતિવિધિઓની તપાસ વખતે અલગ-અલગ ડિવાઇસમાં સમયનો તફાવત હોવાથી ઘટનાઓનો ચોક્કસ ક્રમ મેળવવો મુશ્કેલ બને છે. એક જ સમય હોવાથી તપાસ સરળ બનશે. નાણાકીય લેણદેણ, શેરબજાર અને પરિવહન ક્ષેત્રે એક-એક સેકેન્ડનું મહત્વ હોય છે. સમયની ચોકસાઈથી મોટી ગરબડો અટકાવી શકાશે.

  • શું આપણી ઘડિયાળનો સમય બદલાઈ જશે?

ના, બિલકુલ નહીં. આપણી ઘડિયાળમાં જે સમય થઈ રહ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય. માત્ર બેકએન્ડમાં ડિજિટલ ઘડિયાળો અને મોબાઈલ નેટવર્ક્સ સીધા ભારતના અધિકૃત પરમાણુ સમય (એટોમિક ટાઇમ) સાથે જોડાઈ જશે, જેથી દેશભરમાં નેનો સેકેન્ડ સુધીનો સમય એકસમાન થઈ જશે. હાલમાં ઘણી સિસ્ટમ્સ સમય માટે અમેરિકી GPS કે અન્ય વિદેશી સ્રોતો પર નિર્ભર છે. ભારત હવે પોતાના સ્વદેશી ‘નાવિક’ નેવિગેશન સિસ્ટમ અને NPL (નેશનલ ફિઝિકલ લેબોરેટરી) દ્વારા આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત હશે.

આ પહેલ અંતર્ગત જુલાઈ 2026માં બેંગલુરુની RRSL લેબમાં ‘વાઇટ રેબિટ’ નામની અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા બેંગલુરુથી ચેન્નાઈ (NSE) સુધી સુરક્ષિત IST મોકલવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે બેન્કિંગ, પાવર અને ટેલિકોમ ક્ષેત્રે અત્યંત ઉપયોગી સાબિત થશે. કંપનીઓ અને સંસ્થાઓ પોતાની હાલની સિસ્ટમ ચકાસી શકે, જરૂરી ટેકનિકલ બદલાવ કરી શકે અને નવી વ્યવસ્થા માટે સજ્જ થઈ શકે તે માટે નિયમો લાગુ થતાં પહેલાં 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular