Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 101 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

ગુજરાતમાં 101 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

ગાંધીનગર,17 ઓક્ટોબર, 2026 :  Inauguration of 101 Shramik Annapurna Kendras મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં ૧૦૧ કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના ચાણક્યપૂરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં ૨૫ વર્ષ નિમિત્તે વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત થયેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સેવા હી સાધના અન્વયે આ નવાં ૧૦૧ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. હવે રાજ્યના બધા જ ૩૪ જિલ્લાઓમાં કુલ ૩૯૪ કેન્દ્રો પરથી શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળતો થશે.

વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા શ્રમિકોના કલ્યાણ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૭થી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular