ગાંધીનગર, 15 ઓક્ટોબર, 2026 : Now Rs 8.50 per child will be spent on nutritious meals રાજ્યમાં આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક અને સારૂ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રતિ બાળક પ્રતિદિન આપવામાં આવતી રકમ રૂપિયા 5.10થી વધારી ₹8.50 કરવામાં આવી છે. એટલે કે ભોજનની ખરીદી માટેના દરમાં 67 ટકાનો વધારો કરાયો છે. આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીમાં આવતા 16.17 લાખથી વધુ બાળકોને લાભ મળશે. આ નિર્ણય પાછળ રાજ્ય સરકાર વાર્ષિક આશરે ₹ 80 કરોડનો વધારાનો ખર્ચ ઉઠાવશે.
રાજ્યમાં બાળકોમાં કૂપોષણને ડામવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે આંગણવાડીના બાળકોને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે સરકારે પ્રતિ બાળક પ્રતિ દિન રૂપિયા. 8.50 આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે બાળકોના ભોજન મેનુમાં પણ ફેરફાર કર્યો છે. નવા સાપ્તાહિક મેનુમાં બાફેલા અથવા ફણગાવેલા મગ, તુવેરદાળ, મસાલા ચણા, મગ-ભાત, વેજિટેબલ પુલાવ, લીલાં શાકભાજીનાં મુઠિયાં, શાકભાજી-ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શીરો, સુખડી, દૂધીના ઢેબરાં, ગોળના પુડલા, ભાખરી, ઢોકળાં અને ઈડલી જેવી વાનગીઓ પણ આપવામાં આવશે.
રાજ્યમાં તમામ આંગણવાડીમાં બાળકોને સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવાનું આયોજન છે. મેનુમાં અલગ-અલગ દિવસ પ્રમાણે વિવિધ વાનગીઓ રાખવામાં આવશે, જેથી બાળકોને રોજ એકસરખું ભોજન ન મળે અને તેમને અલગ-અલગ પોષક તત્ત્વો મળી શકે. રાજ્યમાં અત્યાર સુધી પ્રતિ બાળક પ્રતિદિન રૂપિયા 5.10ની જોગવાઈ હતી, જેનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર 50:50ના ધોરણે ઉઠાવતી હતી. હવે તેમાં રૂપિયા 3.40નો વધારો કરી કુલ રકમ રૂપિયા 8.50 કરવામાં આવી છે. આ વધારાની સંપૂર્ણ રકમ રાજ્ય સરકાર પોતાના ખર્ચે આપશે. તેના માટે વાર્ષિક આશરે ₹ 80 કરોડનો ખર્ચ થશે.
નવા દર મુજબ સ્થાનિક ખરીદી માટે અલગ-અલગ સામગ્રીની રકમ પણ નક્કી કરવામાં આવી છે. તેમાં તુવેરદાળ માટે ₹ 1.24, આખા ચણા માટે ₹ 0.85, આખા મગ માટે ₹ 1.30, ગોળ માટે ₹ 0.525, મોસમી લીલાં શાકભાજી માટે ₹ 0.83, ફળો માટે ₹ 2, સીંગદાણા અથવા તલ માટે ₹ 0.65, મસાલા માટે ₹ 0.60 અને સ્થાનિક પરિવહન માટે ₹ 0.50ની જોગવાઈ છે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને ભોજનની સામગ્રીની સ્થાનિક ખરીદી માટે વધુ નાણાકીય સહાય મળશે.


