સુરેન્દ્રનગર, 15 ઓક્ટોબર, 2026 : Two constables including PSI suspended after SMC raids જિલ્લાના પાટડી પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર ચાલતા ગેરકાયદે જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ગત સપ્તાહમાં દરોડો પાડી 7 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ સ્ટેશનના એક કિલોમિટર દૂર જૂગારધામ ચાલતું હોવા છતાંયે પાટડી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા રેન્જ આઈજી નીલિપ્ત રાયે ગંભીર નોંધ લઈને પાટડીના પીએસઆઈ અને ડીવાયએસપી કચેરીના બે પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાટડી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિમી દુર વેલનાથનગરમાં ચાલતા જુગારધામ પર ગત 9મી ઓક્ટોબરમા રોજ સ્ટેટ મોમિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જૈનાબાદના સગરામ રબારી, એક મહિલા સહિત 7 આરોપીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 જુગારીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹23,000 ની રોકડ અને ₹5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીની રેડ દરમિયાન પાટડી પોલીસ ઊંઘતી ઝડપાતાં અને મામલો રફે-દફે કરવાના પ્રયાસો વચ્ચે રેન્જ આઈજી નીલિપ્ત રાયે લાલ આંખ કરી હતી. ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ પીએસઆઈ એચ.એચ. ગોહિલ, તેમજ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ કોલા અને ચહેરભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.
પોલીસ તપાસમાં એવી વિગતો મળી હતી કે, જુગારધામ ચલાવતો કિરણ ઠાકોરનો ભાઈ કમલેશ ઠાકોર રાજકોટના હીરાસર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCએ પાડેલા દરોડાને કારણે અગાઉથી જ સ્થાનિક પોલીસ સ્ટાફ સામે કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. આ કેસમાં સૌપ્રથમવાર જુગારની રેડમાં સંગઠિત ગુના અંગેની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.


