ભાવનગર, 15 ઓક્ટોબર, 2026 : Campaign against banned plastic and public littering શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ જાહેરમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. બીએમસીની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 63 આસામીઓ પાસેથી 70 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરવા સબબ 31 આસામીઓ પાસેથી રૂ.9750 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 94 આસામીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂ.59,750 ની દંડકીય રકમ વસૂલ કરવામાં આવી છે.
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ જાહેરમાં ગંદકી કરનારા સામે ઝંબેશ હાથ ધરવામાં આવી છે.ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવમાં આજદિન સુધીમાં કુલ 165 આસામીઓ પાસેથી 465 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.1,37,700 નો દંડ તેમજ જાહેરમાં ગંદકી કરનાર 100 આસામીઓ સામે કાર્યવાહી કરી રૂ.27,850 નો દંડ. આમ, ઓક્ટોબર માસમાં અત્યાર સુધીમાં કુલ 565 આસામીઓ સામે કાર્યવાહી કરીને રૂ.1,65,550 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે., મ્યુનિ. તંત્ર દ્વારા તમામ વેપારીઓ અને શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારના પ્રતિબંધિત કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ ન કરવો તેમજ જાહેરમાં ગંદકી ન કરવી. ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે ચાલી રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોને પૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.


