અમદાવાદ, 15 ઓક્ટોબર, 2026 : Metro train will now run till 2 am શહેરમાં નવરાત્રિના પર્વને ધ્યાને રાખી મેટ્રો ટ્રેનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 14 થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન મોડીરાત્રે 2 વાગ્યા સુધી દોડશે. મેટ્રો ટ્રેનનો સમય લંબાવાતા ગરબા રમીને ઘેર પરત ફરતા લોકોને લાભ થશે.
જીએમઆરસીના સત્તવાર સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં તા. 19મી ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેનો મોડી રાત્રે બે વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી કોટેશ્વર રોડ રૂટ પર દર 30 મિનિટે ટ્રેન મળશે. રૂ. 50ની સ્પેશિયલ ટિકિટ મળશે. આ નિર્ણયથી મોડી રાત સુધી ગરબા રમતા લોકો તેમજ અન્ય પેસેન્જરોને ઘરે પરત ફરવા માટે મેટ્રોની સુવિધા મળશે. GMRC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ અલગ-અલગ રૂટ પર નિર્ધારિત સમયાંતરે ટ્રેનો દોડશે. જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:00 વાગ્યે ઉપડશે, થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:12 વાગ્યે ઉપડશે આ રૂટ પર રાત્રે 11:30 વાગ્યાથી મધરાત બાદ 2 વાગ્યા સુધીના સમય દરમિયાન મેટ્રો ટ્રેનોનું દર 30 મિનિટે સંચાલન થશે.
આ ઉપરાંત APMCથી કોટેશ્વર રોડ રૂટ પર સમયાંતરે દર 30 મિનિટે મેટ્રો ટ્રેન સુવિધા મળશે. APMCથી કોટેશ્વર રોડ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:14 વાગ્યે ઉપડશે અને કોટેશ્વર રોડથી એપીએમસી તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:07 વાગ્યે ઉપડશે, APMCથી સેક્ટર-1; સમયાંતરે દર 60 મિનિટે ટ્રેન સુવિધા મળશે. જેમાં APMCથી સેક્ટર-1 તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:44 વાગ્યે ઉપડશે અને સેક્ટર-1થી APMC તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:38 વાગ્યે ઉપડશે. મેટ્રોના લંબાવાયેલા સંચાલન સમય દરમિયાન પેસેન્જરો માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર મળશે અને તેનો ઉપયોગ માત્ર એક જ પેસેન્જર કરી શકશે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમતા લોકો માટે મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને ખાનગી વાહન અથવા અન્ય પરિવહનના સાધનો પર નિર્ભર રહેવાને બદલે પેસેન્જરો મેટ્રોનો ઉપયોગ કરીને ઘરે પરત ફરી શકશે. આ સુવિધાથી રાતના સમયે લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળશે.


