પાટણ, 15 ઓક્ટોબર, 2026 : Congress surrounds police station against police action જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપની મહિલા મોરચાની બહેનોએ ગઈ તા.12મી ઓક્ટોબરના રોજ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાટણ ભાજપ મહિલા પ્રમુખ પર શાહી ફેંકવામાં આવી હતી. આ મામલે પાટણ પોલીસે બે કોંગ્રેસના બે મહિલા કાર્યકરો સામે FIR નોંધીને ધરપકડ જેલમાં ધકેલી દીધી હતી. પોલીસે ભાજપના ઈશારે એક તરફી કાર્યવાહી કરીને કોંગ્રેસની બે મહિલા કાર્યકર્તા પર BNS કલમ 117(C) એટલે કે IPC 326 દાખલ કરી હતી. આથી પોલીસની એક તરફી કાર્યવાહી સામે કોંગ્રસના સાંસદ ગનીબેન ઠાકોર, ધારાસભ્ય કિરિટ પટેલ સહિત અગ્રણીઓએ કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને વિરોધ કર્યો હતો. અને ભાજપના કાર્યકર્તા સામે પણ ફરિયાદ કરવાની માગ કરી હતી. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ કોંગ્રેસ નેતાઓને આશ્વાસન આપતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.
આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જેલમાં રહેલા ભૂમિબેન અને જયાબેન સામે પોલીસે કોઈપણ પૂર્વ તપાસ વિના BNS કલમ 117(C) એટલે કે IPC 326 દાખલ કરી હતી. આ અંગે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી તાત્કાલિક મેડિકલ સર્ટિફિકેટ મેળવી અદાલતમાં રજૂ કરવામાં આવે. જો મેડિકલ તપાસમાં ગંભીર પ્રકારની ઈજા (ગ્રીવિયસ ઈંજરી) ન જણાય તો આ કલમ રદ કરવા માટે પોલીસ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે. એસપી દ્વારા આ બાબત સ્વીકારીને સિવિલમાંથી તાત્કાલિક સર્ટિફિકેટ મેળવવા અધિકારીઓને આદેશ કરી દેવાયો છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ થઈ ચૂકી હોવાથી હિયરિંગ સમયે આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકર જયાબેન દ્વારા આપવામાં આવેલી ફરિયાદની તપાસ તુરંત ડીવાયએસપી પરેશ રેણુકાને સોંપવામાં આવી છે. મહિલા કાર્યકર જેલમાંથી મુક્ત થયા બાદ તેમનું નિવેદન નોંધી જવાબદારો સામે ગુનો નોંધવાની ખાતરી અપાઈ છે. સાથોસાથ કોંગ્રેસ મહિલા કાર્યકરો સાથે અસભ્ય વર્તન અને અપશબ્દો બોલવાના આક્ષેપ મામલે બી. ડિવિઝનના પીએસઆઈ સોમાભાઈ પરમારને આ પોલીસ સ્ટેશનથી અન્ય જગ્યાએ હટાવવાની માંગ પણ એસપીએ સ્વીકારી છે. ધારાસભ્યએ ભાજપના ઈશારે ખોટી ફરિયાદ નોંધાઈ હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટની ચકાસણી કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પોલીસ તંત્રએ ખાતરી આપી છે. તમામ માંગણીઓ અંગે સકારાત્મક વલણ મળતાં કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના તમામ અગ્રણીઓ અને કાર્યકરોનો આભાર માની આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું.


