Homeગુજરાતીદેશ-વિદેશસિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં ચોરી: આર્મી સ્ટોરેજ બેરેકમાંથી 4 AK-203 સહિત 11 હથિયારો અને...

સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં ચોરી: આર્મી સ્ટોરેજ બેરેકમાંથી 4 AK-203 સહિત 11 હથિયારો અને ગોળા-બારૂદ ગાયબ

હૈદરાબાદ, 2 સપ્ટેમ્બર 2026: તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં સેનાના એક સ્ટોરેજ બેરેકમાંથી મંગળવારે હથિયારો અને ગોળા-બારૂદનો મોટો જથ્થો ચોરાયાની ઘટના સામે આવી છે. સિકંદરાબાદમાં સેનાના એક ઠેકાણેથી એસોલ્ટ રાઈફલ્સ અને પિસ્તોલ ઉપરાંત ભારે માત્રામાં મેગેઝિન અને ગોળા-બારૂદ ચોરી થઈ ગયા છે. આ મામલે સેના દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી થયેલા આ હથિયારો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આ કેસમાં 4શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાયબ થયેલા હથિયારોમાં 4 AK-203 એસોલ્ટ રાઈફલ, 1 INSAS રાઈફલ અને 6 પિસ્તોલ (9 એમએમ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી માત્રામાં ગોળા-બારૂદ પણ ચોરાયા છે. આ હથિયારો સિકંદરાબાદમાં મદ્રાસ રેજિમેન્ટના હથિયાર સ્ટોરેજ બેરેકના દરવાજા તોડીને ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ ચોરીમાં બે કે તેથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. આ ઘટના હૈદરાબાદના મલકજગિરી પોલીસ કમિશનરેટ ઝોન અંતર્ગત આવતા બોલારામ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

ચોરીની આ ઘટના સોમવારે સવારે અંદાજે 7.50 વાગ્યે પ્રકાશમાં આવી હતી. આ હથિયારો 20 મદ્રાસ રેજિમેન્ટના પરિસરમાં આવેલા એક સ્ટોર રૂમમાંથી ચોરાયા હતા. જ્યારે સેનાના જવાનો ‘કોટ અને બટાલિયન મેગેઝિન’ (ગોળા-બારૂદ સ્ટોરેજ) ખોલવા માટે ગયા ત્યારે દરવાજાના તાળાં તૂટેલા હાલતમાં મળી આવ્યા હતા.

  • સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

પોલસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં મુખ્યત્વે સેનાના જવાનોની જ અવરજવર રહે છે. સિકંદરાબાદમાં મદ્રાસ રેજિમેન્ટ (20મી બટાલિયન) ના એક લેફ્ટનન્ટ કર્નલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ સર્વિસ હથિયારો અને ગોળા-બારૂદની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના કારણે હથિયારોના સ્ટોરેજ સેન્ટરની આસપાસ પૂરતી સુરક્ષા ન હોવાને લઈને ગંભીર સવાલો ખડા થયા છે.

ઘટના અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. નોંધાયેલી એફઆઈઆર (FIR) મુજબ, 5 એસોલ્ટ રાઈફલ, 7 પિસ્તોલ, 21 મેગેઝિન, ગોળા-બારૂદ અને એક પેસિવ નાઈટ વિઝન બાયોક્યુલર (દૂરબીન) ચોરાઈ ગયા છે. આ હથિયારો અને ગોળા-બારૂદની છેલ્લી ગણતરી 30 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ તમામ સામગ્રી ગાયબ થવાની ચોક્કસ પરિસ્થિતિ અને સમય હજુ સુધી જાણી શકાતો નથી. આ ઘટના બાદ સેનાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આંતરિક તપાસ શરૂ કરી છે અને સમગ્ર સ્ટોક તથા દસ્તાવેજોનું પુનઃ સત્યાપન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular