સાંજ પડતાં જ અચાનક હળવી ભૂખ લાગવી અને ચા સાથે કશુંક ગરમાગરમ, તીખું અને ક્રિસ્પી ખાવાનું મન થવું ખૂબ સામાન્ય છે. જોકે, સાંજના સમયે શું બનાવવું તે નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે. જો તમે પણ આવી મૂંઝવણમાં હોવ અને સમય ઓછો હોય, તો અહીં બટાકામાંથી માત્ર ૧૦ મિનિટમાં તૈયાર થતા ૫ ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપી દર્શાવવામાં આવી છે, જે ઘરના દરેક સભ્યને ખૂબ પસંદ પડશે.
- ક્રિસ્પી આલૂ પોહા કટલેટ
જો ઘરમાં પહેલેથી જ બાફેલા બટાકા હાજર હોય, તો પોહા આલૂ કટલેટ શ્રેષ્ઠ વિકલ્પ છે.
બનાવવાની રીત: પૌંઆને પાણીથી ધોઈ 2 મિનિટ સોફ્ટ થવા દો. એક વાસણમાં બાફેલા બટાકાને મેશ કરી તેમાં પૌંઆ, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર, મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને કટલેટ કે ટિક્કીનો શેપ આપો. પેનમાં થોડું તેલ ગરમ કરી આ કટલેટને મધ્યમ આંચ પર બંને તરફ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી કે તળી લો. પૌંઆ હોવાને કારણે આ નાસ્તો ઓછું તેલ સોંષે છે.
-
આલૂ લચ્છા ભજિયા
ઘરે અચાનક મહેમાન આવી જાય અને બાફેલા બટાકા ન હોય ત્યારે કાચા બટાકામાંથી બનતા લચ્છા ભજિયા બેસ્ટ ઓપ્શન છે.
બનાવવાની રીત: 2 મોટા કાચા બટાકા છીણી લો અને તેના છીણને ઠંડા પાણીમાં ૨-૩ વાર ધોઈ લો જેથી સ્ટાર્ચ નીકળી જાય. પાણી બરાબર નિતારી લીધા પછી તેમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ કે કોર્નફ્લોર, લીલા મરચાં, જીરું, અજમો, ચિલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી મિક્સ કરો (પાણી ઉમેરવું નહીં). આ મિશ્રણને ગરમ તેલમાં ભજિયાની જેમ મૂકી મધ્યમ આંચ પર 5-6 મિનિટ તળી લો.
-
ચટાકેદાર આલૂ ચાટ
બજાર જેવી ચટાકેદાર આલૂ ચાટ ઘરે બનાવવી અત્યંત સરળ છે.
બનાવવાની રીત: બાફેલા બટાકાના મોટા ટુકડા કરી લો. એક કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરી બટાકાના ટુકડાને તેજ આંચ પર બહારનું પડ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેમાં સંચળ, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. સ્વાદ અનુસાર આમલીની મીઠી ચટણી અને લીલી ચટણી ઉમેરીને પણ માણી શકાય છે.
- ચાઇનીઝ કે પાસ્તા ફ્લેવર પ્રેમીઓ માટે ગાર્લિક આલૂ બાઇટ્સ
લસણ અને બટાકાનું કોમ્બિનેશન બાળકો અને યુવાનોને ખૂબ પ્રિય હોય છે.
બનાવવાની રીત: બાફેલા બટાકાને મેશ કરી તેમાં ઝીણું સમારેલું લસણ (કે પેસ્ટ), 2-3 ચમચી કોર્નફ્લોર, ચિલી ફ્લેક્સ, ઓરિગેનો, કોથમીર અને મીઠું ઉમેરી લોટની જેમ બાંધી લો. હવે તેની નાની ગોળીઓ કે સ્ક્વેર શેપ બનાવી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેને ધીમી આંચ પર બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
-
ઇન્સ્ટન્ટ આલૂ બ્રેડ રોલ
સાંજના નાસ્તા માટે બ્રેડ રોલ એ ઓલ-ટાઇમ ફેવરિટ ડિશ છે.
બનાવવાની રીત: બાફેલા બટાકા, બાફેલા વટાણા, લીલા મરચાં, કોથમીર, ચાટ મસાલો અને મીઠું ભેગા કરી મસાલો તૈયાર કરો. બ્રેડ સ્લાઇસની કિનારીઓ કાપી તેને પાણીમાં 1 સેકન્ડ બોળી તરત જ હથેળીઓ વચ્ચે દાબીને બધું પાણી નિતારી લો. બ્રેડની વચ્ચે બટાકાનો મસાલો મૂકી ચારે બાજુથી વાળીને રોલ બનાવો. ગરમ તેલમાં આ રોલ્સને ફ્રાય કરી લો.


