Homeગુજરાતીજીવનશૈલીદિવસમાં કેટલી કપ કોફી પીવી સુરક્ષિત? વધુ પડતા કૅફીનના સેવનથી થઈ શકે...

દિવસમાં કેટલી કપ કોફી પીવી સુરક્ષિત? વધુ પડતા કૅફીનના સેવનથી થઈ શકે છે આ ગંભીર નુકસાન

સવારે ઊઠતાની સાથે જ ગરમાગરમ કોફી પીવી એ અનેક લોકોની દૈનિક ટેવ હોય છે. કામના થાક વચ્ચે પણ ઊર્જા મેળવવા માટે લોકો કોફીનો સહારા લેતા હોય છે. કોફીમાં રહેલું ‘કૅફીન’ શરીરને તાત્કાલિક એક્ટિવ અને મગજને સતર્ક રાખવામાં મદદ કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે દિવસ દરમિયાન ગમે તેટલી કોફી પી શકાય. નિષ્ણાતોના મતે, વધુ પડતું કૅફીન બેચેની, અસ્વસ્થતા, શારીરિક ધ્રુજારી, આક્રમકતા, અનિદ્રા અને હૃદયના ધબકારા વધી જવા જેવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ અનુસાર, એક સામાન્ય અને તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ માટે દિવસમાં 400 મિલિગ્રામ સુધીનું કૅફીન સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. આ પ્રમાણ આશરે ૨ થી ૪ કપ કોફી બરાબર થાય છે. જોકે, કોફીમાં કૅફીનની માત્રા તેના પ્રકાર અને બનાવવાની રીત પર આધાર રાખે છે. આ ઉપરાંત, ચા, એનર્જી ડ્રિંક્સ, ડાર્ક ચોકલેટ અને કેટલીક દવાઓમાંથી પણ શરીરમાં કૅફીન જતું હોય છે, તેથી દિવસ દરમિયાન તમામ સ્ત્રોતોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

શરીરમાં કૅફીનનું પ્રમાણ વધી જવાથી કેટલાક લોકોને હાથ ધ્રૂજવા, માથાનો દુખાવો, પેટની ગરબડ અને ધબકારા વધી જવા જેવી તકલીફો થાય છે. આ સિવાય સૌથી મોટી અસર ઘેરી ઊંઘ પર પડે છે. સાંજે કે રાત્રે કોફી પીવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે. દરેક વ્યક્તિના શરીરની કૅફીન સહન કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે; કેટલાક લોકોને એક જ કપમાં આડઅસર થાય છે જ્યારે કેટલાક વધુ પ્રમાણ પણ સહન કરી શકે છે.

  • કોણે કોફી પીતી વખતે વિશેષ સાવચેતી રાખવી?

સગર્ભા મહિલાઓ: સગર્ભા સ્ત્રીઓને કૅફીનનું સેવન ખૂબ જ ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન દૈનિક 200 મિલિગ્રામથી ઓછું કૅફીન સુરક્ષિત મનાય છે.
અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો: જે લોકોને અનિદ્રા, અસ્વસ્થતા કે હૃદયના ધબકારાની તકલીફ હોય, તેમણે તબીબી સલાહ બાદ જ કોફી લેવી જોઈએ.
ખાંડ અને ક્રીમનું પ્રમાણ: કોફી પીતી વખતે તેમાં ઉમેરવામાં આવતી ખાંડ અને ફેટ યુક્ત ક્રીમનું પ્રમાણ પણ કેલરી વધારે છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular