નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે ઐતિહાસિક પ્રદર્શન કરતાં ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 147 રનના વિશાળ માર્જિનથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ ભવ્ય વિજય સાથે ભારતને આ એશિયન ગેમ્સનો પ્રથમ સુવર્ણચંદ્રક મળ્યો છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ટીમની આ ઐતિહાસિક સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે, “ભારતીય મહિલા ટીમને ગોલ્ડ મેડલ જીતતાં જોઈને મને અત્યંત આનંદ થાય છે. મને મહિલા ટીમની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. હું જાપાનની કોઓર્ડિનેશન કમિટીમાં સામેલ હતી અને મેં પોતે ક્રિકેટને એશિયન ગેમ્સમાં સામેલ કરવા વિનંતી કરી હતી. આજે તેમને ગોલ્ડ જીતતાં જોવાનું મારું સ્વપ્ન પૂરું થયું છે.” આ સાથે જ તેમણે શૂટર્સ પર પણ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આગામી દિવસોમાં શૂટિંગમાં પણ ભારતને ચોક્કસ ગોલ્ડ મળશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “એશિયન ગેમ્સ 2026 માં ‘વુમન ઈન બ્લુ’ એ ગોલ્ડ જીત્યો! મહિલા ટી20 ક્રિકેટ ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અમારી ચેમ્પિયન્સને ખૂબ ખૂબ અભિનંદન. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.”

-
ફાઇનલ મેચનો રોમાંચ: મંધાનાનો વિસ્ફોટક અવતાર અને બોલરોનો કમાલ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 216 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી આક્રમક 79 રન બનાવ્યા હતા. આ સાથે સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન પૂરા કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. આવી જ રીતે શેફાલી વર્માએ 29 બોલમાં ઝડપી 48 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિસ્ફોટક બેસ્ટમેન રિચા ઘોષએ 22 બોલમાં અણનમ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી. 217 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને ભારતીય બોલરોએ માત્ર 15.4 ઓવરમાં 69 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીએ 2-2 વિકેટ લીધી હતી.
-
ભારતની મેડલ ટેલી
આ ગોલ્ડ મેડલ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 7 પર પહોંચી છે, જેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે. અગાઉ શૂટિંગમાં હિમાંશુ ઢિલન, રુદ્રાક્ષ પાટિલ અને પાર્થ માનેની ટીમે સિલ્વર જ્યારે સુચિકા તારિયાલે MMA માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2023 હેંગઝોઉ એશિયન ગેમ્સ બાદ સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે.


