નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર 2026: કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારોને મોંઘી સારવારમાંથી મોટી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. સરકારે બિન-અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓ પરના ટ્રેડ માર્જિનને મહત્તમ છૂટક કિંમતના 30 ટકા સુધી મર્યાદિત કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી કેન્સરની અનેક દવાઓની કિંમતમાં 70 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે, જેનાથી દેશભરના દર્દીઓને વાર્ષિક અંદાજે રૂ. 2,500 કરોડની બચત થવાનો અંદાજ છે. રસાયણ અને ખાતર મંત્રાલયના ઔષધ વિભાગ દ્વારા જારી કરાયેલા અધિકૃત નિવેદન અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર પર થતો દર્દીઓનો ખર્ચ ઘટાડવાનો અને વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
હાલમાં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ હેઠળ આવતી કેન્સરની દવાઓની કિંમતો સીધી રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જોકે, મોટી સંખ્યામાં એવી કેન્સરની દવાઓ હતી જે આ યાદીમાં ન હોવાથી તેમના પર સીધું ભાવ નિયંત્રણ નહોતું. નવી વ્યવસ્થા હેઠળ આવી તમામ બિન-અનુસૂચિત દવાઓ પર પણ ટ્રેડ માર્જિનની સીમા નક્કી કરવામાં આવશે, જેથી ઉત્પાદકથી લઈને દર્દી સુધી પહોંચવામાં સપ્લાય ચેઈનમાં ઉમેરાતા અતિશય નફા (માર્જિન) પર લગામ લગાવી શકાશે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ હેઠળ ગઠિત નિષ્ણાત સમિતિ ટૂંક સમયમાં એવી તમામ કેન્સર વિરોધી દવાઓની યાદી તૈયાર કરશે જેમને આ નીતિમાં સામેલ કરવામાં આવશે. ત્યારબાદ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા આ અંગેનું આખરી નોટિફિકેશન જારી કરાશે. આનાથી દવાઓના ભાવમાં પારદર્શિતા આવશે અને દર્દીઓનો ખિસ્સાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.
-
કેટલીક દવાઓ પર 700 ટકા સુધી ભાવ વધારવામાં આવતા હતા
NPPA ના વિશ્લેષણ મુજબ, બિન-અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓની કિંમતોમાં સરેરાશ 170 ટકાનો અને કેટલાક કિસ્સાઓમાં 700 ટકાથી પણ વધુનો નફો જોડવામાં આવતો હતો. એટલે કે ઉત્પાદક પાસેથી નીકળ્યા પછી દર્દી સુધી પહોંચતા સુધીમાં દવા ઘણી ગણી મોંઘી થઈ જતી હતી. રિટેલ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ફાર્મસી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ એક જ દવાની કિંમતમાં મોટો તફાવત જોવા મળતો હતો. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક સહિતના રાજ્યો તેમજ દર્દી સંગઠનો લાંબા સમયથી આ અંગે રજૂઆતો કરી રહ્યા હતા.
સરકારે વર્ષ 2019 ના અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરી 2019 માં પણ NPPA એ 42 બિન-અનુસૂચિત કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન કેપ કર્યું હતું. તે સમયે કેટલીક દવાઓની કિંમતમાં 91 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને 526 બ્રાન્ડ્સ દ્વારા દર્દીઓને વાર્ષિક રૂ. 984 કરોડની બચત થઈ હતી. હવે આ જ મોડેલને મોટા પાયે લાગુ કરવામાં આવી રહ્યું છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કિંમતો પર અંકુશ મૂકવાની સાથે દવાઓની ઉપલબ્ધતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. આ માટે દવા ઉત્પાદક કંપનીઓએ પોતાનું વર્તમાન ઉત્પાદન સ્તર જાળવી રાખવું પડશે. આ નવી વ્યવસ્થા બ્રાન્ડેડ અને જેનરિક બંને પ્રકારની દવાઓ પર લાગુ થશે. આ ઉપરાંત દેશી, આયાતી, પેટેન્ટેડ અને બિન-પેટેન્ટેડ શ્રેણીની તમામ દવાઓનો તેમાં સમાવેશ કરી શકાશે.


