મુંબઈ, 9 ઓક્ટોબર 2026: અમેરિકાએ ઈરાન સરકારની આર્થિક મદદ અને ફંડિંગના સ્ત્રોતોને સંપૂર્ણપણે ઠપ્પ કરવા માટે ફરી એકવાર આકરા નિર્ણયો લીધા છે. ઈરાન પર કોઈપણ દેશ સાથે તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો વેપાર કરવા પર યુએસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં, ઈરાન પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવા અને આ વેપારમાં મદદ કરવાના આરોપસર અમેરિકાના વિદેશ વિભાગે મુંબઈ સ્થિત બે ભારતીય કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા પાંચ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ઈરાની તેલના ખરીદ-વેચાણમાં સહયોગ આપવા બદલ મુંબઈની ‘SSPL સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’અને ‘સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ’સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
-
કયા પાંચ ભારતીયો સામે પગલાં લેવાયા?
અમેરિકી પ્રશાસન દ્વારા જારી કરાયેલા નિર્દેશો મુજબ, નીચે મુજબના 5 ભારતીય અધિકારીઓ સામે નાણાકીય પાબંધીઓ મૂકવામાં આવી છે:
SSPL સોલ્યુશન્સના અધિકારીઓ: ધ્વનિ વોરા અને નિસર્ગ વોરા
સમુદ્ર મરીન સર્વિસીસના અધિકારીઓ: કેતન કોચીકર, ભૂપેન્દ્રસિંહ સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુન્ડાકટ્ટિલ
નાણાકીય નિયમો હેઠળ આ તમામ પાંચેય વ્યક્તિઓ પોતાની કંપનીઓ સાથે સંબંધિત કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં. આ આકરી કાર્યવાહી અમેરિકાના ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’નો એક ભાગ છે.
-
ઈરાની શાસનને લાખો ડોલર પહોંચાડવાનો આક્ષેપ
અમેરિકી વિદેશ વિભાગના અધિકૃત નિવેદન અનુસાર, “વિદેશ વિભાગ ઈરાનમાં બનેલા પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને પેટ્રોકેમિકલ્સના ગેરકાયદે વેપારના સિલસિલામાં કુલ 10 કંપનીઓ, 6 વ્યક્તિઓ અને 5 સમુદ્રી જહાજો પર પ્રતિબંધો લાદી રહ્યું છે.” વિદેશ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ કંપનીઓએ ઈરાની શાસનને લાખો ડોલર પહોંચાડ્યા હતા, જેનાથી ઈરાનની આવકના સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોતને મજબૂતી મળતી હતી અને તેની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હતી. અમેરિકી સરકાર ઈરાની પેટ્રોકેમિકલ્સના આ વેપારને પ્રોત્સાહન આપનારા ખરીદદારો અને વેચાણકર્તાઓ — બંને પક્ષો સામે સમાન રીતે સખત કાર્યવાહી કરી રહી છે.
અમેરિકાએ મુંબઈની ‘સમુદ્ર મરીન સર્વિસીસ’ કંપનીને પોતાના બાકી રહેલા જૂના સોદાઓ, નાણાકીય હિસાબો અને કાગળકામ કાયદાકીય રીતે પૂર્ણ કરવા માટે 23 ઓક્ટોબર સુધીની મુહલત આપી છે, જેથી તે પોતાનું કામકાજ સંપૂર્ણપણે સમેટી શકે. આ ઉપરાંત, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે (અમેરિકી ખજાના વિભાગ) માત્ર આ ભારતીય કંપનીઓ જ નહીં, પરંતુ ઈરાનને મદદ કરતી અન્ય 17 આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને તેમના 17 ‘સિક્રેટ જહાજો’ પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. આ એવા ગુપ્ત જહાજો હતા જે સમુદ્ર રસ્તે ચોરીછૂપીથી ઈરાનનું તેલ અન્ય દેશોમાં સપ્લાય કરીને ઈરાન માટે ફંડ એકઠું કરતા હતા.


