અમરેલી, 8 ઓક્ટોબર, 2026 : Congress leader Virji Thummar passes away પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, સહકારી અગ્રણી અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું અમરેલી ખાતે નિધન થતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વ. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા બુધવારે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા.
સ્વ. વિરજી ઠુમ્મરની અંતિમયાત્રા સમયે પુત્રી જેનીબેન ભાવુક થયા હતા અને પિતાના છેલ્લા દર્શન કરી રડી પડ્યા હતા. જેનીબેને પુષ્પ અર્પણ કરી પિતાની અંતિમયાત્રાને કાંધ આપી હતી અને ધર્મરથમાં બેસી સ્મશાન સુધી પણ ગયા હતા. અંતિમયાત્રા વિરજી ઠુમ્મરના નિવાસસ્થાનેથી નીકળી હતી અને શહેરના માણેકપરા વિસ્તારથી બાયપાસ રોડ કૈલાશ મુક્તિધામ પહોંચી હતી. પુત્રી જેનીબેન પણ અંતિમયાત્રામાં સ્મશાન પહોંચ્યા હતા અને પિતાના અગ્નિસંસ્કારની વિધિમાં જોડાયા હતા.ઉપસ્થિત સૌએ બે મિનિટ મૌન અંજલિ આપી હતી. ત્યારબાદ પુત્રી જેનીબેને પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રામાં ભાજપ નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી.
વીરજીભાઈ ઠુમ્મરના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી સાંસદ રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, વીરજીભાઈ ઠુમ્મરના નિધનના સમાચારથી સૌની આંખો ભીની છે અને હૃદય વ્યથિત છે. તેમના નિધન સાથે કોંગ્રેસ પરિવારનું એક વટવૃક્ષ આપણી વચ્ચેથી વિદાય થયું છે. તેમની સાદગી, દરેક વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને કર્તવ્યભાવના તેમજ ખેતી-કિસાન સાથેનો તેમનો ગાઢ સંબંધ હંમેશાં લોકોના હૃદયમાં અંકિત રહેશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત નેતાઓએ સ્વ. વિરજીભાઈને શ્રદ્ધાંજિ અર્પી હતી.


